Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ 2026: અમેરિકાના 4 ખેલાડીઓને વિઝા ના મળ્યાં

Social Share

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશની ટીમના ભારત પ્રવાસને લઈને ચાલી રહેલી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી, ત્યાં હવે અમેરિકા (USA) ની ટીમના ચાર મુખ્ય ખેલાડીઓના વિઝા અરજી ફગાવી દેવામાં આવતા નવો વળાંક આવ્યો છે.

અમેરિકાના સ્ટાર ફાસ્ટ બોલર અલી ખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેને ભારત આવવા માટેના વિઝા મળ્યા નથી. અલી ખાન અમેરિકન ટીમનો મુખ્ય આધાર સ્તંભ માનવામાં આવે છે અને તેણે ગત વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિઝા રિજેક્ટ થવાને કારણે હવે તેની વર્લ્ડ કપમાં ભાગીદારી પર જોખમ તોળાઈ રહ્યું છે.

પ્રખ્યાત ક્રિકેટ પત્રકાર પીટર ડેલા પેન્યાના જણાવ્યા અનુસાર, માત્ર અલી ખાન જ નહીં પરંતુ અન્ય ત્રણ મહત્વના ખેલાડીઓની વિઝા અરજી પણ ફગાવી દેવામાં આવી છે. વિઝા મેળવવામાં નિષ્ફળ રહેલા ખેલાડીઓમાં અલી ખાન (ફાસ્ટ બોલર),  શાયન જહાંગીર (બેટ્સમેન),  મોહમ્મદ મોહસીન અને એહસાન આદિલનો સમાવેશ થાય છે.

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ આ પ્રકારના વિવાદોએ આયોજકોની ચિંતા વધારી દીધી છે. એક તરફ સુરક્ષા અને રાજકીય કારણોસર બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે, ત્યારે બીજી તરફ અમેરિકન ખેલાડીઓના વિઝા રિજેક્ટ થતા ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ પણ આ મામલે દરમિયાનગીરી કરવી પડી શકે છે.

જો આ ચાર ખેલાડીઓને સમયસર વિઝા નહીં મળે, તો અમેરિકાની ટીમે છેલ્લી ઘડીએ ફેરફાર કરવા પડશે. ખાસ કરીને અલી ખાન અને શાયન જહાંગીર જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી અમેરિકા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. હાલમાં અમેરિકન ક્રિકેટ બોર્ડ ભારત સરકાર અને સંબંધિત વિભાગો સાથે આ મુદ્દે વાતચીત કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

Exit mobile version