Site icon Revoi.in

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

Social Share

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે.

તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં શરૂ થયેલા પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કેરી એપેડા સંસ્થા દ્વારા માન્ય થાય એ પછી નિકાસમાં મોકલવામાં આવે છે. પેકહાઉસમાં પ્રિકુલીંગ, વોશીંગ, ક્લીનીંગ ઉપરાંત કેમિકલ પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યું છે. એ પછી વિદેશમાં પહોંચે છે.

યુ.કે. અને આરબ દેશોમાં તો આ કેરી પહોંચી જ રહી હતી પણ આ વખતે ઇટાલી પણ મોકલવામાં આવી છે. મુંદ્રા બંદરે 14 ટન કેરી લોડ કરી દેવામાં આવી છે. હવે 25 દિવસ બાદ નિકાસમાં જશે. ઇટાલીમાં અદ્યતન રાયપનીંગ પ્લાન્ટમાં કેરી પકવીને ઇટાલીની બજારમાં નંગના ભાવે વેંચવામાં આવશે. નિકાસ માટે વિરપુર ગીરમાં બે, ત્રણ અને ચાર કિલોના આકર્ષક બોક્સ બનાવવામાં આવ્યા છે. સંપુર્ણ સુવિધાસજ્જ  કન્ટેઇનરમાં કેરી રવાના કરવામાં આવી છે. કેસર કેરીની નિકાસ થતાં ખેડુતોને લાભ મળશે.

વાવાઝોડામાં કેરીના પાકને ખૂબ નુકશાન થયું હતું. ખેડુતોને મોંમાં આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો હતો. હવે જે કેરીનો પાક થોડોઘણો બચ્યો છે, તેની નિકાસ કરવામાં આવી રહી છે. ઈટાલીમાં ગીરની કેસર કેરીની માગ પણ વધી રહી છે. વિદેશોમાં ગીરની કેસર કેરીની મોટુ ફળ અને સારી ક્વોલિટીની જ માગ છે.