Site icon Revoi.in

તાલિબાની સેનાના વળતા પ્રહારમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

Social Share

ઈસ્લામાબાદ, 27 ફેબ્રુઆરી 2026 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર (ડ્યુરન્ડ લાઈન) પર તણાવ હવે હિંસક અને ચરમસીમાએ પહોંચી ગયો છે. બુધવારે મોડી રાત્રે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોટા પાયે આક્રમણ કર્યું છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ ભીષણ હુમલાઓમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, અનેક ઘાયલ થયા છે અને પાકિસ્તાનની 19 જેટલી સૈન્ય ચોકીઓ (મિલિટરી પોસ્ટ) સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવી છે. અફઘાન સેનાએ રાત્રે 6 સેક્ટરમાં હુમલા કર્યા બાદ, સવાર પડતા વધુ 2 સેક્ટરમાં પણ યુદ્ધ શરૂ કરી દીધું છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલય અને તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં અફઘાન સેનાએ મોડી રાત્રે આ વ્યાપક હુમલો કર્યો હતો. ભારતીય સમય મુજબ રાત્રે 9 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલેલા આ ઓપરેશનમાં અફઘાન સેના દ્વારા મોર્ટાર, આર્ટિલરી, ટેન્ક અને મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પકતિયા સેક્ટરના ખુર્રમ બોર્ડર તથા દક્ષિણ વઝીરિસ્તાન બોર્ડર , કુનાર સેક્ટરમાં બાજૌર બોર્ડર, નંગરહાર સેક્ટરમાં ખૈબર તોરખમ બોર્ડર, ખોસ્ત સેક્ટરના મીરાન શાહ બોર્ડર અને નૂરિસ્તાન સેક્ટરમાં દીર બોર્ડર પર હુમલા થયાં હતા.

અફઘાન સેનાનું કહેવું છે કે આ સમગ્ર ઓપરેશન ‘203 મન્સૂરી કોર’ અને ‘201 ખાલિદ બિન વાલિદ કોર’ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ ઘર્ષણ દરમિયાન અફઘાન સેના પ્રમુખ મુહમ્મદ ફસીહુદ્દીન ફિતરત પોતે કંટ્રોલ રૂમમાં હાજર રહીને કમાન્ડ સંભાળી રહ્યા હતા. અફઘાન દાવા મુજબ, આ લડાઈમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને પાકિસ્તાનના કેટલાક સૈનિકોને જીવતા પકડી લેવામાં પણ આવ્યા છે.

સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે અફઘાનિસ્તાને સ્પિન બોલ્ડક-ચમન અને હેલમંદ-બારામચા બોર્ડર પર પણ તોપમારો શરૂ કરી દીધો. હાલ કુલ 8 સેક્ટરોમાં સામસામી ભીષણ લડાઈ ચાલી રહી છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે, આ સંઘર્ષમાં તેમના માત્ર 8 સૈનિકો શહીદ થયા છે અને 13 ઘાયલ થયા છે, જ્યારે પાકિસ્તાની હુમલાઓમાં તેમના કોઈ નાગરિક કે સૈનિકને મોટું નુકસાન થયું નથી.

આ સંઘર્ષની શરૂઆત 21 ફેબ્રુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનની હદમાં પ્રવેશીને TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) અને ISKPના કથિત કેમ્પો પર હુમલા કર્યા હતા. અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો હતો કે આ હુમલાઓમાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. ત્યારબાદ 26 ફેબ્રુઆરીની રાત્રે અફઘાનિસ્તાને બદલો લેવા વળતો પ્રહાર કર્યો, જેના જવાબમાં પાકિસ્તાને ફરીથી એરસ્ટ્રાઈક કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2,640 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઈન (વિવાદિત સરહદ) પર બંને દેશો વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે, પરંતુ હવે તેણે સત્તાવાર જંગનું સ્વરૂપ લઈ લીધું છે. ગત વર્ષે કતાર દેશની મધ્યસ્થીથી બંને વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) થયો હતો, જે હવે સંપૂર્ણપણે તૂટી ગયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા

Exit mobile version