Site icon Revoi.in

પરિવારની સમક્ષ સેક્સ લાઈફની વાત કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા: હાઈકોર્ટ

Social Share

દિલ્હી: છૂટાછેડા સાથે જોડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા યૌન સંબંધોને લઈને વાતચીત કરવી માનસિક ક્રૂરતા છે. પતિનો આરોપ હતો કે પત્ની ચીડચીડા સ્વભાવની છે અને તે નાની-નાની વાતો પર ઝઘડા કરે છે. તેની સાથે તેનું કહેવું હતું કે તે બેહદ અભદ્ર રીતે વાત કરતી હતી.

પતિ તરફથી દાખલ અપીલ પર જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણની ખંડપીઠે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે હિંદુ મેરેજ એક્ટ 1955 હઠેળ પત્ની તરફથી ક્રૂરતાના આધારે પતિને છૂટાછેડાની મંજૂરી આપી. ફેમિલી કોર્ટ તરફથી પતિની છૂટાછેડાંની અરજીને ફગાવી દેવામાં આવી હતી. તેના પછી તેણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે અમે આ પરિણામ પર પહોંચ્યા છીએ કે પત્ની તરફથી તમામ લોકોની સામે પતિને અપમાનિત કરવો અને નપુંસક કહેવો તથા પરિવારના સદસ્યો સમક્ષ ખુલીને સેક્સુઅલ લાઈફ બાબતે વાત કરવાને અપમાનજનક કૃત્ય કહી શકાય છે. તેના કારણે અરજદારને માનસિક ક્રૂકતાનો સામનો કરવો પડયો. બંનેના લગ્ન 2011માં થયા હતા.

લાઈવ લૉના અહેવાલ મુજબ, આઈવીએફ પ્રક્રિયામાંથી બે વાર પસાર થયા બાદ પણ બંનેને સંતાન થઈ રહ્યું ન હતું. તેના કારણે મતભેદ શરૂ થયો હતો. પતિનો આરોપ છે કે પત્ની સતત તમામની સામે તેને નપુંસક કહીને અપમાનિત કરતી હતી. કોર્ટે કહ્યું હતું કે તેને કારણે જાહેરમાં પતિને જે અપમાન સહન કરવું પડયું, તેને નજરઅંદાજ કરી શકાય નહીં.