Site icon Revoi.in

તમિલનાડુ: એક તરફ વિધાનસભાની ચૂંટણી તો બીજી તરફ 31 માર્ચ સુધી લોકડાઉન

Social Share

તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીની વધતી તૈયારીની સાથે સાથે કોરોનાવાયરસ સામે પણ લડવાનું છે. કોરોનાવાયરસના જોખમની સાથે સરકારે હવે રાજ્યમાં લોકડાઉન 31 માર્ચ સુધી લંબાવ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે. તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો પર 6 એપ્રિલે મતદાન થવાનું છે

લોકડાઉન હેઠળ સરકારી-ખાનગી ઓફિસો,દુકાનો અને ઓદ્યોગિક મથકોમાં જુદા-જુદા સમયગાળા દરમિયાન થોડા-થોડા કર્મચારીઓની હાજરી રહેશે. કોવિડને લગતા અન્ય પ્રોટોકોલના ઉલ્લંઘન સામે પણ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કન્ટેનમેન્ટ ઝોનને લઈને સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓ અને અન્ય છૂટવાળી સેવાઓ ઉપરાંત અન્ય પ્રકારની હવાઈ મુસાફરી પણ પ્રતિબંધિત રહેશે.

તમિલનાડુમાં કોરોના વાયરસ સંક્રમણના 479 નવા કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8.51 લાખ થઇ છે,જ્યારે મૃતકોની સંખ્યા વધીને 12,496 થઇ ગઈ છે. તમિલનાડુમાં હાલમાં 4,022 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે 490 લોકો સંક્રમણમુક્ત થયા પછી સ્વસ્થ દર્દીઓની સંખ્યા વધીને 8,35,024 થઇ ગઈ છે.

ચેન્નાઇમાં 182 નવા કેસ સામે આવતાં અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,35,532 થઇ ગઈ છે. તમિલનાડુમાં રવિવારે કુલ 50,815 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.74 કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

-દેવાંશી