Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં આકવેરા વિભાગનો સપાટો, બે જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાઈ

Social Share

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ સહિત બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન એક ગ્રુપ પાસેથી લગભગ રૂ. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત અન્ય જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે પશ્ચિમ બંગાળના ઉત્તર બંગાળ ક્ષેત્રમાં મોટા પાયે વ્યવસાય ધરાવતા વેપારી જૂથ પર સર્ચ અને જપ્તી કામગીરી હાથ ધરી હતી. આ વ્યવસાય જૂથ સક્રિય રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ દ્વારા નિયંત્રિત છે. આ જૂથના નજીકના વ્યવસાયિક સહયોગીઓની પણ શોધ કરવામાં આવી હતી. આ જૂથ રાઈસ બ્રાન ઓઈલ, સરસવનું તેલ, ડી-ઓઇલ્ડ રાઇસ બ્રાન (ડીઓઆરબી), રસાયણોની વિવિધતા અને રિયલ એસ્ટેટ વગેરેના ઉત્પાદન અને માર્કેટિંગથી લઈને વિશાળ શ્રેણીના વ્યવસાયોમાં સંકળાયેલું છે.

આ જૂથ ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, માલદા, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સિલિગુડી અને આસામમાં ગુવાહાટી અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા 23 કેમ્પસને આવરી લે છે. આ જૂથના સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે આ જૂથ તેની આવક છુપાવી રહ્યું હતું અને ખાદ્ય તેલ અને ડીઓઆરબીનું બિનહિસાબી રોકડ વેચાણ કરતું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન હિસાબના નિયમિત ચોપડામાં રોકડ વ્યવહારોની નોંધ ન હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. હસ્તલિખિત નોંધો, દસ્તાવેજો અને રોકડ વ્યવહારોના સંદર્ભો ધરાવતા ડિજિટલ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. સમાંતર કેશ બુક અને ખર્ચના બોગસ દાવાઓ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 40 કરોડથી વધુની બિનહિસાબી આવક બહાર આવી છે.

આ ઉપરાંત, ઉત્તર બંગાળના માલદા જિલ્લામાં કૃષિ ઉત્પાદનોના મુખ્ય નિકાસકાર એવા આ મુખ્ય વેપારી જૂથના નજીકના વેપારી સહયોગી પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમની પાસેથી જમીન સંપાદન સંબંધમાં લગભગ 17 કરોડ રૂપિયાની રોકડ ચુકવણી અંગેના ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત એક કરોડની કિંમતના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.

(PHOTO-FILE)