Site icon Revoi.in

કર સંધિઓ વિદેશી દબાણમાં નહીં પણ રાષ્ટ્રહિતમાં હોવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય કરારો અને ટેક્સ સંધિઓને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી સરકારો કે કોર્પોરેટ કંપનીઓના દબાણમાં આવીને નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને જ આંતરરાષ્ટ્રીય સંધિઓ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કરાર કરે ત્યારે પોતાની ટેક્સ સાર્વભૌમત્વની રક્ષા કરવી અનિવાર્ય છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ ટિપ્પણીઓ તે ચુકાદા દરમિયાન કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે સ્થાનિક રેવન્યુ સત્તાવાળાઓના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ કેસ મુજબ, અમેરિકા સ્થિત રોકાણકાર કંપની ટાઈગર ગ્લોબલ દ્વારા 2018માં ફ્લિપકાર્ટમાંથી બહાર નીકળતી વખતે જે મૂડી નફો થયો હતો, તેના પર ભારતમાં ટેક્સ ભરવો પાત્ર છે.

પોતાના અલગ પરંતુ સહમતી આપતા ચુકાદામાં જસ્ટિસ પારડીવાલાએ લખ્યું કે, આંતરરાષ્ટ્રીય કરારો અને પ્રોટોકોલ્સ પારદર્શક હોવા જોઈએ. તેમણે સૂચવ્યું કે, સંધિઓમાં સમયાંતરે સમીક્ષા કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. રાષ્ટ્ર પાસે સંધિની શરતો પર ફરીથી ચર્ચા કરવાની અથવા તેમાંથી બહાર નીકળવાની મજબૂત સત્તા હોવી જોઈએ જેથી અનુચિત પરિણામોથી બચી શકાય. ટેક્સ બેઝનું ધોવાણ અટકાવવા અને લોકશાહી નિયંત્રણ નબળું ન પડે તે માટે સ્પષ્ટ જોગવાઈઓ હોવી જોઈએ.

જસ્ટિસ પારડીવાલાએ સૂચવ્યું હતું કે ભારત જ્યારે નવી સંધિઓ કરે ત્યારે તેમાં ‘લેમિટ ઓફ બેનિફિટ્સ’ (LOB) જેવી કલમો સામેલ કરવી જોઈએ, જેથી શેલ કંપનીઓ કે બોગસ કંપનીઓ સંધિનો ગેરલાભ ન ઉઠાવી શકે. તેમણે ઉમેર્યું કે સંધિઓએ માત્ર રાજદ્વારી ઉદ્દેશ્યો જ નહીં, પરંતુ વ્યાપક આર્થિક અને જાહેર હિતોનું રક્ષણ કરવું જોઈએ.

વર્ષ 2018માં જ્યારે દિગ્ગજ કંપની વૉલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો ખરીદવામાં આવ્યો ત્યારે ટાઈગર ગ્લોબલે એક્ઝિટ લીધી હતી. ફેબ્રુઆરી 2019માં કંપનીએ આવકવેરા વિભાગ પાસે આ ટ્રાન્ઝેક્શન પર ટેક્સની જવાબદારી અંગે નિર્ણય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદાથી હવે વિદેશી રોકાણકારો માટે ટેક્સના નિયમો વધુ સ્પષ્ટ અને કડક બન્યા છે.

આ પણ વાંચોઃVIDEO: કોંગ્રેસના ધારાસભ્યનો બફાટઃ બળાત્કારીઓનો બચાવ કરવા આપ્યા ઘૃણાસ્પદ તર્ક, જાણો શું કહ્યું?

Exit mobile version