Site icon Revoi.in

હવે ચૂકવણી માટે વોલેટ-ડેબિટ કાર્ડની નહીં પડે જરૂર, આવી ગયું છે રિસ્ટ બેંડથી પેમેન્ટ કરવાનું ફીચર

Social Share

નવી દિલ્હી: બેંકો દ્વારા તેના ગ્રાહકોને સતત નવા ફીચર્સ અપાતા હોય છે ત્યારે હવે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ગ્રાહકો માટે Wear ‘N’ Payની સુવિધા લોન્ચ કરી છે. આની મદદથી વોલેટ કે ફોન દ્વારા પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ગ્રાહક હેન્ડ્સફ્રી પેમેન્ટ કરી શકશે. હકીકતમાં, એક્સિસ બેંકે વેરેબલ કોન્ટેક્ટ લેસ પેમેન્ટ ડિવાઇસિસ લોન્ચ કર્યું છે. આ ડિવાઇઝ બેન્ડ, કી-ચેઇન અને વોચ લૂપ છે. આ કોન્ટેક્ટ લેસ પેમેન્ટ ડિવાઇસિસ બેંકના ડેબિટ કાર્ડની જેમ કામ કરશે અને ગ્રાહકોને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઇસિસને ડિઝાઇન તેમજ ક્રિએટ કરવા માટે બેંકે થેલ્સ એન્ડ ટેપ્પી ટેક્નોલોજીસ સાથે ભાગીદારી કરી છે. આ પ્રોડક્ટ માસ્ટરકાર્ડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

બેંક દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ડિવાઇસ માત્ર 750 રૂપિયામાં મળશે. વેરેબલ ડિવાઇસ ગ્રાહકોના બેંક ખાતા સાથે સીધુ લિન્ક્ડ રહેશે તેમજ એક ડેબિટ કાર્ડની માફક કામ કરશે. આના દ્વારા ગ્રાહક કોઇપણ એવા મર્ચન્ટને ત્યાં શોપિંગ કરી પેમેન્ટ કરી શકે છે જે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન સ્વીકારતા હોય.

વેર એન્ડ પે ડિવાઇસને ફોન બેન્કિંગ અને એક્સિસ બેન્કની કોઇપણ બ્રાન્ચથી ખરીદી શકો છો. જે લોકો એક્સિસ બેંકના ગ્રાહક નથી તે પોતાની નજીકની એક્સિસ બેંક શાખા અથવા વીડિયો કેવાયસી દ્વારા ઘર બેઠા બેંકમા પોતાનું ખાતું ખોલાવી શકે છે અને વેર એન્ડ પે ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે.

કોઈ કોન્ટક્ટલેસ પેમેન્ટ સ્વીકારતા વેપારી પાસેથી વેર ન પે ડિવાઈસ દ્વારા કોઈ પણ મુશ્કેલી વિના પેમેન્ટ કરી શકાય છે. આના દ્વારા યૂઝર્સને પીઓએસ મશીન ઉપર વેરેબલ્સને લાવવાનું રહેશે અને પેમેન્ટ થઈ જશે. જો કે, આનાથી 5 હજાર રૂપિયા સુધીનું જ પેમેન્ટ કરી શકાશે. 5 હજાર રૂપિયાથી વધુના પેમેન્ટ માટે પિનની જરૂર પડશે અથવા પેમેન્ટ કોન્ટેક્ટલેસ નહિં રહે.

(સંકેત)