Site icon Revoi.in

શું તમારી સાથે પણ ઑનલાઇન છેતરપિંડી થઇ છે? તો આ રીતે પરત મળશે પૈસા, અહીંયા કરો ફરીયાદ

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં આજે ચોતરફ ટેક્નોલોજીનો યુગ છે. આજના દૈનિક જીવનમાં મોટા ભાગના કામકાજો ટેક્નોલોજીની મદદથી થાય છે. ટેક્નોલોજીએ અર્થતંત્રને વેગ આપવામાં તેમજ અનેક ગતિવિધિઓને ઝડપી બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જો કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ ટેક્નોલોજી ક્યારેક તમને નુકસાન પણ કરાવી શકે છે. હાલમાં ઑનલાઇન સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરેક બેંકની પોતાની એપ્લિકેશન હોય છે જ્યાં યૂઝર્સ પોતાની વ્યક્તિગત માહિતી શેર કરતા હોય છે અને હેકર્સ આ જ બાબતને અવસરમાં પલટીને એકાઉન્ટ સાફ કરી નાખે છે.

ઑનલાઇન સતત વધી રહેલી છેતરપિંડીથી લોકોના પૈસાને સલામત અને સુરક્ષિત રાખવાના હેતુસર સરકાર પણ સજ્જ છે અને સતર્ક છે. સરકારે પણ એ પ્રકારની સિસ્ટમ વિકસાવી છે જેનાથી તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.

ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ

ભારત સરકારે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તૈયાર કર્યું છે. તે માટે તમે https://cybercrime.in/Default.aspx લિંક પર ક્લિક કરી શકો છો અથવા હેલ્પલાઇન નંબર 155260 પર સંપર્ક કરી શકો છો. અહીંયા તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આ નંબર પર દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશના લોકો ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકે છે. જ્યારે અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેતા લોકો સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફરિયાદ નોંધાવી શકે છે.

તમે આપેલા નંબર પર ફોન કરશો તો તે ફોન સાઇબર ક્રાઇમ કોલ સેન્ટરમાં જશે. ફ્રોડની જાણકારીના આધારે જ બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચ્યા હશે, તે એકાઉન્ટને સાઇબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવશે.

જો તમારી ફરિયાદ યોગ્ય પાત્ર ઠરશે તો તે એકાઉન્ટમાંથી તમામ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો ફ્રોડ કરનારી તમારી ફરીયાદ પહેલા પૈસા ઉપાડી લીધા હશે તો તે સ્થિતિમાં તમારી ફરીયાદને તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલાશે અને ત્યારબાદ સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે.

જો તમે ક્યારેય પણ સાઇબર ક્રાઇમનો શિકાર બનો તો તરત જ ફરીયાદ દાખલ કરો. પૈસા ટ્રાન્સફરના નામે કોઈ પણ સાથે તમારી બેંક ડિટેઇલ કે ઓટીપી શેર ન કરો.