Site icon Revoi.in

હવે ટ્વીટરને ટક્કર આપશે ભારતની Koo App, પિયૂષ ગોયલે એકાઉન્ટ બનાવ્યું

Social Share

નવી દિલ્હી: ટ્વીટરને ટક્કર આપવા હવે ભારતમાં કૂ એપ લોન્ચ થઇ છે. ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહેતા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પણ આ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ટ્વીટર સાથે ચાલી રહેલી અસહમતિ વચ્ચે આ એપ તૈયાર કરાઇ છે જે એક મેક ઇન ઇન્ડિયા એપ છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ પહેલાથી જ આ પ્લેટફોર્મ પર જોડાઇ ચૂક્યા છે અને તેમના પાસે એક વેરિફાઇડ હેન્ડલ છે.

આ એપ્લિકેશન વિશે વાત કરીએ તો, આ ટ્વીટર જેવી આ એપને 10 મહિના પહેલા લોન્ચ કરાઇ હતી અને તેણે આત્મનિર્ભર એપની ચેલેન્જ જીતી હતી. અપારમેયા રાધાકૃષ્ણ અને મયંક બિદાવડકા દ્વારા આ એપને વિકસિત કરવામાં આવી છે. આ એપ અનેકવિધ ભાષાઓમાં ઉપલ્બ્ધ છે જેમાં હિંદી, તેલુગુ, કન્નડ, બંગાળી, તામિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઓડિયા અને આસામીનો સમાવેશ થાય છે.

આ એપને ખાસ કરીને ભારતીયો પોતાની માતૃભાષામાં પોતાના વિચારો શેર કરી શકે તેમજ તેના વિશે ચર્ચા કરી શકે તે હેતુસર વિકસિત કરવામાં આવી છે. તેની ટેગલાઇન ‘ભારતીય ભાષાઓમાં ભારતીયો સાથે જોડાવું’ છે. તે માઇક્રો-બ્લોગિંગ શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ છે.

કૂની ઉપયોગિતા

‘કૂ’ને એપ અને વેબસાઇટ એમ બંને રીતે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું ઇન્ટરફેસ પણ ટ્વીટર જેવું જ છે. તેમાં 350 શબ્દોની મર્યાદા નિર્ધારિત કરાઇ છે.

સરકાર અને ટ્વીટર આમને સામને

ગત સપ્તાહે જ સરકારે નિયમોનાં ઉલ્લંઘનને લઇને ટ્વીટર પાસે જવાબ માંગ્યો હતો અને ત્યારબાદ ટ્વીટર ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું હતું. આ બાદ સરકારે ટ્વીટરને પાકિસ્તાન અને ખાલિસ્તાનના કથિત સમર્થકોના 1178 એકાઉન્ટ બંધ કરવા આદેશ આપ્યો હતો.

(સંકેત)