- વિશ્વની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ ગુમાવી રહી છે વિશ્વસનીયતા
- વોટ્સએપ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે
- લોકો હવે વોટ્સએપને બદલે ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવવા માંગે છે
નવી દિલ્હી: વિશ્વના અનેક યૂઝર્સમાં લોકપ્રિય એવી વોટ્સએપ ધીરે ધીરે વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને તેને લીધે સમગ્ર વિશ્વના યૂઝર્સમાં વોટ્સએપની આ નીતિને લઇને રોષ જોવા મળ્યો હતો અને વોટ્સએપમાંથી રાતોરાત લાખો યૂઝર્સે અન્ય એપ્સ પર સ્વિચ કર્યું હતું. વોટ્સએપે બાદમાં તેની પ્રાઇવસી પોલિસીમાં ફેરફારનો નિર્ણય માર્ચ સુધી મુલવતી રાખ્યો છે.
વોટ્સએપે ભલે પોતાનો નિર્ણય મુલવતી રાખ્યો હોય પરંતુ લોકો હવે વોટ્સએપથી અંતર બનાવી રહ્યા છે અને નાખુશ જણાઇ રહ્યા છે. એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ભારત સરકાર દ્વારા વોટ્સએપને તેની નવી યૂઝર ડેટા પ્રાઇવસી પોલિસી પરત લેવાના આદેશ બાદ શુક્રવારે એક રાષ્ટ્રવ્યાપી અધ્યયનમાં સામે આવ્યું છે કે, 79 ટકા યૂઝર્સ વોટ્સએપની સેવા શરૂ રાખવા માટે પુનર્વિચાર કરી રહ્યા છે જ્યારે 28 ટકા યૂઝર્સ તેને છોડવા માંગે છે.
રિપોર્ટ અનુસાર સર્વેમાં સામેલ 41 ટકા લોકો વોટ્સએપ છોડીને ટેલિગ્રામ અપનાવવા માંગે છે. જ્યારે 35 ટકા યૂઝર્સ સિગ્નલ અપનાવવા માંગે છે. CMRના ICG હેડ અનુસાર, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પર ચર્ચા શરૂ છે પરંતુ આ ચર્ચા પ્રાઇવસીને અગ્રતા આપનારા યૂઝર્સથી ક્યાંય આગળ છે કારણ કે કેટલાંક યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ હવે બંધ કરવા માંગે છે.
યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવા અન્ય વધુ સલામત અને સુરક્ષિત વિકલ્પોને અપનાવવાનું વિચારી રહ્યા છે. ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ યૂઝર્સની પ્રાઇવસીની ખાતરી આપતી હોવાથી તેમજ તે વધુ સુરક્ષિત અને સલામત હોવાથી યૂઝર્સ હવે તેને પ્રાધાન્ય આપી રહ્યા છે.
(સંકેત)