Site icon Revoi.in

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનો પારો ચડ્યો, હીટવેવની આગાહી

Social Share

નવી દિલ્હી, 10 માર્ચ 2026: દેશના મોટાભાગના હિસ્સાઓમાં કુદરતે અત્યારથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લૂ (હીટવેવ) જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસો સુધી ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ (IMD) એ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમ પવનો ફૂંકાવાની ચેતવણી આપી છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે, જેના કારણે હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે માર્ચ મહિના માટે અસામાન્ય ગણાય છે.

આશ્ચર્યજનક રીતે, પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ હવામાન વિભાગે ભીષણ લૂની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ અને મરાઠવાડામાં પણ દિવસનું તાપમાન સામાન્ય કરતાં અનેક ડિગ્રી ઊંચું રહેવાની સંભાવના છે. એક તરફ મેદાની વિસ્તારો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. તેની અસર મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જોવા મળશે. અહીં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદની અને વીજળી પડવાની શક્યતા છે.

પૂર્વોત્તર ભારતમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે, જેની અસર હેઠળ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ છત્તીસગઢથી ઝારખંડ સુધી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી હોવાથી પૂર્વ ભારતના હવામાનમાં પણ પલટો જોવા મળશે.

આ પણ વાંચોઃ NCERT એ ન્યાયતંત્ર પરના વિવાદિત પ્રકરણ બદલ માગી માગી, ધોરણ-8ની સામાજિક વિજ્ઞાનની નવી ચોપડી પાછી ખેંચાઈ

Exit mobile version