નવી દિલ્હી, 17 માર્ચ 2026: ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ એક મોટી આંતરરાષ્ટ્રીય આતંકી મિલીભગતનો પર્દાફાશ કરતા 7 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક અમેરિકી નાગરિક અને 6 યુક્રેનના નાગરિકોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશીઓ પર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા, પ્રતિબંધિત સંગઠનોને હથિયાર અને ડ્રોન વોરની તાલીમ આપવા તેમજ યુરોપથી ડ્રોનની હેરાફેરી કરવાનો ગંભીર આરોપ છે.
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓની યોજના બનાવી રહ્યા હતા. તેમની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPA ની કલમ 18 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમેરિકી નાગરિકને કોલકાતા એરપોર્ટ પરથી ઇમિગ્રેશન બ્યુરોએ અટકાયતમાં લીધો હતો, જ્યારે અન્ય યુક્રેનિયન નાગરિકોની લખનૌ અને દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની કોર્ટે આરોપીઓને પહેલા 3 દિવસ અને ત્યારબાદ સોમવારે રિમાન્ડ વધારીને 27 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં સોંપ્યા છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ યુરોપથી ભારત થઈને મ્યાનમાર સુધી મોટા પ્રમાણમાં ડ્રોનની હેરાફેરી કરતા હતા. આ ડ્રોન મ્યાનમારના સશસ્ત્ર વંશીય જૂથો માટે લાવવામાં આવ્યા હતા, જેઓ ભારતના પ્રતિબંધિત બળવાખોર જૂથોને હથિયારો, આતંકી સામગ્રી અને તાલીમ આપીને મદદ કરી રહ્યા છે. આરોપીઓ પહેલા મિઝોરમ પહોંચ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમાર ગયા હતા. મિઝોરમની અંદાજે 500 કિમી લાંબી સરહદ મ્યાનમારના ચીન અને રખાઈન રાજ્ય સાથે જોડાયેલી છે, જે આ નેટવર્કની મહત્વની કડી મનાય છે. નિયમ મુજબ, વિદેશી નાગરિકોએ મિઝોરમ જવા માટે FRO પાસેથી સ્પેશિયલ પરમિટ લેવી પડે છે, જે આ આરોપીઓ પાસે નહોતી.
NIAએ કોર્ટમાં જણાવ્યું કે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું ટેકનિકલ એનાલિસિસ કરવું જરૂરી છે. એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આતંકી નેટવર્કનું ફન્ડિંગ ક્યાંથી આવતું હતું? યુરોપથી ડ્રોન લાવવા માટે કયા રૂટનો ઉપયોગ થયો? તેમજ ભારતના કયા પ્રતિબંધિત સંગઠનો આ વિદેશીઓ સાથે સીધા સંપર્કમાં હતા? સુરક્ષા એજન્સીઓ આ મામલે અત્યંત સતર્ક છે કારણ કે ડ્રોન દ્વારા કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, NIAએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરી નથી, પરંતુ આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ UPમાં ગેસ માફિયાઓ પર કાર્યવાહી, કાળાબજારી રોકવા 4800 થી વધુ સ્થળોએ દરોડા

