નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: નવા વર્ષની ઉજવણી પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં મોટી જાનહાનિના ઈરાદે રચાયેલું આતંકી કાવતરું સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના એક ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીંથી વિસ્ફોટક સામગ્રી અને જીવતા કારતૂસનો મોટો જથ્થો મળી આવ્યો છે.
સત્તાવાર માહિતી અનુસાર, CRPF, સેનાની 2 રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ કુંજર અને પટ્ટન તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ખરપોરા ગામના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન જંગલની ઝાડીઓમાં છુપાયેલો આતંકીઓનો અડ્ડો મળી આવ્યો હતો.
- પ્રેશર કૂકરમાં છુપાયેલું હતું મોતનું સામાન
આતંકી અડ્ડા પરથી મળી આવેલી સામગ્રી ચોંકાવનારી છે. સુરક્ષા દળોને ત્યાંથી AK-47 ના 53 જીવતા કારતૂસ અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, ત્યાંથી એક પ્રેશર કૂકર મળી આવ્યું હતું જેમાં મોટરસાઈકલની બેટરી ફિટ કરેલી હતી. આ એક IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) હોવાની પ્રબળ શંકાને પગલે બોમ્બ સ્ક્વોડે તેને સુરક્ષિત રીતે બ્લાસ્ટ કરીને નષ્ટ કરી દીધું હતું. સુરક્ષા જળોએ ઘટના સ્થળ પરથી 53 નંગ AK-47 કારતૂસ, ઇલેક્ટ્રિક વાયર અને વધારાની બેટરી, ડાયરી, તસ્બીહ (માળા) અને ચપ્પુ, પ્લાયર્સ (પકડ), નેઇલ કટર અને કાંસકો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાક.ની ભારતને ધમકી, ઢાકા પર હુમલો થયો તો અમારી મિસાઈલો તૈયાર છે
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ સામગ્રી જે રીતે પેક કરવામાં આવી હતી તે જોતા સ્પષ્ટ થાય છે કે તેનો ઉપયોગ કોઈ મોટા તોડફોડના કૃત્ય માટે કરવાનો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જંગલના અન્ય વિસ્તારોમાં પણ વધુ કોઈ વિસ્ફોટક કે આતંકી અડ્ડા છે કે નહીં તે તપાસવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર મહેસાણા હાઈવે પર ટ્રકની અડફેટે એક્ટિવાચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા

