Site icon Revoi.in

વઢવાણના નવા દરવાજા બહાર આવેલો 100 વર્ષ જૂનો મોરારજી કુંડ ગંદકીયયુક્ત અને જર્જરિત

Social Share

વઢવાણઃ  શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. આજે તંત્રના વાંકે મોરારજીકૂંડની હાલત દયનીય બની છે.

ઝાલાવાડ પંથકમાં વઢવાણ શહેર એ ઐતિહાસિક છે. શહેરના નવા દરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ વર્ષ જૂનો મોરારજીનો કુંડ તેમજ હનુમાનજીની જગ્યા આવેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કુંડ જર્જરિત સાથે કુંડમાં લીલની લીલી જાજમ બીછાઇ જતાં ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ કુંડના પથ્થરો ચારેય બાજુથી જર્જરિત થવાથી આ જગ્યાએ દર શનિવાર સાથે દરરોજ મંદિર તેમજ કુંડના દર્શનાર્થે લોકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના આ ઐતિહાસિક કુંડમાંથી 43 વર્ષ પહેલા આ વિસ્તારના લોકો પીવાનું તેમજ કપડા ધોવા માટે પાણી લઇને ઉપયોગ કરતા હતા. હાલ આ વિસ્તારમાં 500થી વધુ રહીશો રહે છે. પરંતુ કુંડમાં પાણી હોવા છતા બિનોપયોગી બન્યો છે. આ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે,  કૂંડ જર્જરિત હોવા છતાં તેમજ લીલવાળુ પાણી હોવા છતાં આ વિસ્તારના નાના બાળકો પણ અવારનવાર નહાવા પડતા હોય છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ મોરારજીના કુંડની સંભાળ લઇને કુંડની આગળ દિવાલ ગેટ બનાવી બારણુ મુકવામાં આવે અને કુંડ ફરતી પણ સુરક્ષારૂપી દિવાલ કરવામાં આવે તેવી માગ છે. વર્ષો પહેલા આ કુંડ પાણી માટેનો મહત્વનો સ્ત્રોત હતો. આ કુંડમાં મીઠુ પાણી આવતું હોવાથી લોકો તેનો પીવામાં પણ ઉપયોગ કરતા હતા.