Site icon Revoi.in

ગુજરાતમાં 74માં વન મહોત્સવનો આજે CMની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાથી પ્રારંભ કરાશે

Social Share

ગાંધીનગરઃ  74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઊજવણી આજે તા.3જી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે. 5 મી ઓગષ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમની ઊજવણી થશે.  1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા હરસિધ્ધી માતાના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિધ્ધી વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોના નિર્માણ માટે નવતર અભિગમ દાખવ્યો હતો. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણની આ પ્રવૃત્તિ થકી “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” સંકલ્પને સાકાર બનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વર્ષ 2004 થી 2022 સુધીમાં ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં “વૃક્ષ રથ” ઘરે ઘરે ફેરવવામાં આવશે. જેમાં ડોર ટુ ડોર રોપા વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ, ક્રાકજ એનિમલ કેર સેન્ટર – પાલીતાણા તેમજ નડાબેટ, બનાસકાંઠા ખાતે વરૂ સોફ્ટ રીલીઝ સેન્ટરનું પણ ઈ- લોકાર્પણ કરવામાં આવશે.