Site icon Revoi.in

પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટી રચવાની ખાતરી છતાં આંદોલન યથાવત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પેની માગણી માટે લડત ચલાવી રહ્યા છે. તેને કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ પણ સમર્થન આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મચારી અગ્રણી સાથે વાટાઘાટોનો પ્રારંભ કરીને કમિટી રચવાની ખાતરી આપી હતી. છતાં હજુ આંદોલન યથાવત રહ્યું છે. ગૃહમંત્રી સાથેની બેઠક પછી પોલીસકર્મી અને પરિવારજનોએ જ્યાં સુધી ગ્રેડ પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટીની રચના ન થાય અને રાજ્ય પોલીસના બધા પ્રશ્નો એકત્રિત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. પોલીસને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવાય છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તે પછી ધરણાં પર બેઠેલા પોલીસ કર્મીઓના પરિવારજનો સાથે પણ બેઠક યોજી હતી. જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી. બેઠક પછી તેમાં ભાગ લેનારા ચિરાગ ચૌધરી અને પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસ પરિવારને પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી અપાઇ છે અને આ માટે મહિલાઓ સહિતની કમિટી બનાવવામાં આવશે. ગ્રેડ પે, સાતમા પગાર પંચ અને યુનિયન સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી સંઘવીએ પોલીસના આ સિવાયના પણ જે પ્રશ્નો હોય તે પણ રજૂ કરવા માટે કહ્યું છે. જો કે જ્યાં સુધી પોલીસને લગતા તમામ પ્રશ્નો એકત્રિત ન થાય અને ગ્રેડ પે સહિતના મુદ્દાઓ માટે કમિટીની રચના ન થાય ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી સહિત જ્યાં આંદોલન ચાલે છે તે ચાલુ રહેશે તેમ પણ કહ્યું હતું. પોતે કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નહીં હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

આ ઘટનાક્રમ પૂર્વે પોલીસ પરિવારમાં ફેલાતા જતા આંદોલનથી દબાણમાં આવેલી સરકારના ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી કોન્સ્ટેબલ સહિતના સંવર્ગના પગાર સંદર્ભે સ્થિતિ અને ગ્રેડ પેની માગણી અંગે માહિતી મેળવી હતી. જો કે ગ્રેડ પે અંગે કોઇ નિર્ણય થયો ન હતો પરંતુ આઇજી (એડમિનિસ્ટ્રેશન) બ્રિજેશકુમાર ઝાએ બેઠક પછી કહ્યું હતું કે બેઠકમાં પગાર સહિત કઇ સુવિધાઓ પોલીસને મળે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે સુધારવાની માગણી સાથે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું અભિયાન પાટનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પ્રસરી રહ્યું છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધરણાં શરૂ કર્યાં છે.