Site icon Revoi.in

અમદાવાદના જૂહાપુરામાં ભૂવો પડતા મ્યુનિ.ની કચરાની ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં 90થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે બુધવારે વધુ એક ભૂવો જુહાપુરા વિસ્તારના મુખ્ય રોડ પર અંબર ટાવર નજીક પડ્યો હતો. જેમાં મ્યુનિ.ની કચરો એકત્ર કરતી ટ્રક ભૂવામાં ફસાઈ હતી. ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી બુધવારે બપોરે મ્યુનિ. કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટ્રક પસાર થતી હતી ત્યારે અંબર ટાવર નજીક અચાનક જ રોડમાં ભૂવો પડ્યો હતો અને ટ્રકનો  પાછળનો ભાગ તેમાં ફસાઈ ગયો હતો. આગળથી ટ્રક ઊંચી થઈ ગઈ હતી. ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ હતી જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ મ્યુનિ. કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 92 જેટલા ભૂવા પડ્યા છે, જેમાંથી 84 જેટલા ભૂવા રિપેર થઈ ગયા છે. જુલાઈ મહિનામાં 70, ઓગસ્ટ મહિનામાં 15 ભૂવા પડ્યા છે. માત્ર ચાલુ મહિનામાં પડેલા 6 ભૂવાને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. બે મહિના પહેલાં વસ્ત્રાલમાં સુરભિ પાર્ક પાસેના મેટ્રો રૂટના રોડ પર એક ભૂવો પડ્યો હતો. રોડ બેસી ગયા બાદ ધીરે-ધીરે પોલાણ થયું હતું અને માત્ર પાંચ સેકન્ડમાં જ ભૂવો પડી ગયો હતો. આખો ભૂવો પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં અનેક જગ્યાએ આ રીતે ભૂવા પડ્યા છે અને હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ માત્ર બેરિકેટ જ મૂક્યા છે. આમ વરસાદ અને ત્યારબાદ ભુવા પડવા અમદાવાદ શહેરમાં સામાન્ય બની ચૂક્યું છે. જુહાપુરા વિસ્તારમાં આવેલા લોખંડવાલા પાર્ટીપ્લોટ પાસે બુધવારે  વધુ એક ભુવો પડ્યો હતો. મ્યુનિનું કચરા ભરવાનું ડમ્પર જ્યારે જુહાપુરા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેનો પાછળનો ભાગ પોલાણવાળી જગ્યા પર ફસાઈ ગયો હતો. ભુવો એટલો તો મહાકાય હતો કે ડમ્પરના પાછળનો અડધો ભુવામાં જ્યારે આગળનો ભાગ હવામાં હતો. લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી ડમ્પર ભુવામાં રહ્યા બાદ આખરે AMCએ આ એક ડમ્પરને ભુવામાંથી કાઢવા, 2 ક્રેઇન મંગાવી. ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં સફળતા મળી હતી.