Site icon Revoi.in

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

Social Share

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી હતી. હવે  ભાજપ-કૉંગ્રેસના રાજકારણમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં અનેક સ્થળોએ ગંદકી  જોવા મળી રહી છે. તેમજ માર્કેટમાં સુરક્ષા માટે  CCTV કેમેરા પણ  નથી , જ્યારે દુર દૂરથી પોતાની ખેતપેદાશો વેચવા  આવતા ખેડૂતો માટે  પીવાના પાણીની પણ કોઇ  વ્યવસ્થા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડુતોને જરૂરી સુવિધા મળે તે માટે વેપારીઓએ પણ રજુઆતો કરી હતી. માર્કેટ યાર્ડમાં સુરક્ષાના અભાવે  અવાર-નવાર ચોરીની ઘટનાઓ પણ ઘટતી રહે છે. સામાન્ય રીતે માર્કેટ યાર્ડની વ્યવસ્થા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને બજાર મળી રહે તેની માટે કરવામાં આવે છે. તેમજ દૂર -દૂરના ગામમાંથી આવતા ખેડૂતો માટે માર્કેટ યાર્ડમાં પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવતી હોય છે. જેના લીધે ખેડૂતો પોતાનો પાક વેચે ત્યાં સુધી આરામ કરી શકે. પરંતુ ભાવનગર માર્કેટ યાર્ડમાં રાજકારણના પગલે હાલ ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. તેમજ અત્યારે ચોમાસા બાદ માર્કેટ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં અનેક પાકો લઈને ખેડૂતો આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની હાલાકીમાં વધારો થશે તેમાં કોઇ બે મત નથી.

Exit mobile version