ઉનાળો પોતાની ચરમસીમા પર છે ત્યારે કાળઝાળ ગરમીને કારણે લૂ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર આપણું શરીર ગરમીને કારણે નાના-મોટા સંકેતો આપતું હોય છે, જેને આપણે સામાન્ય ગણીને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આ નાની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે શરીરનું તાપમાન અચાનક વધી જાય અને શરીર પોતાની જાતને ઠંડુ રાખવામાં અસમર્થ બને ત્યારે લૂ લાગવાની સ્થિતિ સર્જાય છે.
લૂ લાગતા પહેલા શરીરમાં કેવા ફેરફાર થાય છે?
હેલ્થ સંસ્થાના અહેવાલ મુજબ, લૂ લાગતા પહેલા શરીર અનેક ચેતવણીઓ આપે છે. શરૂઆતના લક્ષણોમાં હળવા ચક્કર આવવા, નબળાઈ અનુભવવી અને માથું ભારે લાગવું જેવા લક્ષણો જોવા મળે છે. તેમજ ઉબકા આવવા, ઉલટી જેવું લાગવું અથવા પેટ બગડવું એ સંકેત છે કે શરીર હવે વધુ ગરમી સહન કરી શકતું નથી.
જો શરૂઆતના લક્ષણો વખતે સાવચેતી ન રખાય તો સ્થિતિ ગંભીર બની શકે છે. હૃદયના ધબકારા તેજ થવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને પરસેવો સાવ બંધ થઈ જવો અથવા અતિશય પરસેવો થવો. ત્વચા લાલ થઈ જવી અથવા અસામાન્ય રીતે સુકી દેખાવી. તેમજ સૌથી ખતરનાક સંકેત એ છે કે જ્યારે લૂની અસર મગજ પર થાય છે. વ્યક્તિ મૂંઝવણ અનુભવે છે, બોલવામાં તકલીફ પડે છે અથવા તે બેભાન પણ થઈ શકે છે.
લૂ લાગવાના મુખ્ય કારણો
લાંબા સમય સુધી સીધા તડકામાં રહેવું. બંધ અને ગરમ જગ્યાએ (જ્યાં હવાની અવરજવર ન હોય) વધુ સમય પસાર કરવો. ગરમીમાં વધુ પડતી શારીરિક મહેનત કરવી.
નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને જેઓ પહેલેથી કોઈ બીમારીથી પીડાય છે, તેમને લૂ લાગવાનું જોખમ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ખેતરમાં કે બહાર ખુલ્લામાં મજૂરી કરતા લોકોએ પણ ખાસ તકેદારી રાખવી જોઈએ.
બચાવના ઉપાયો
હાઇડ્રેશન: સમયાંતરે પુષ્કળ પાણી, છાશ કે લીંબુ પાણી પીતા રહેવું.
પોશાક: આછા રંગના અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા.
વિરામ: સતત તડકામાં કામ કરવાને બદલે વચ્ચે-વચ્ચે છાંયડામાં આરામ કરવો.
તાત્કાલિક સારવાર: જો કોઈ વ્યક્તિમાં લક્ષણો દેખાય, તો તેને તુરંત ઠંડી જગ્યાએ લઈ જઈ શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા અને જરૂર જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.
શરીરના સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો લૂ જેવી ગંભીર સ્થિતિથી બચી શકાય છે. ગરમીને હળવાશથી લેવી એ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

