Site icon Revoi.in

શેત્રુંજી ડેમની કેનાલો જર્જરિત બનતા પાણીનો થતો વેડફાટ

Social Share

ભાવનગરઃ સાડા પાંચ દાયકા જુના ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ સિંચાઇ યોજનાની જળ સંગ્રહ ક્ષમતાં વર્ષો વર્ષ ઘટતી જાય છે. તેની સામે હરીયાળી ક્રાન્તી પછી ખેતી માટેનાં પિયતની માંગ વધતી જાય છે.  વર્ષો બાદ શેત્રુંજી નહેર જમણા – ડાબા કાંઠાની મુખ્ય કેનાલો જુની થઇ ગઈ હોઇ તેમજ ખૂબજ લાંબો વિસ્તાર ધરાવતી પેટા કેનાલોનાં ધોરીયાઓ કાચી જમીન પર બનાવેલ હોઇ અનેક સ્થળોએ વારંવાર તુટી જઇને કિંમતી પાણીનો બગાડ થાય છે. ઉપરાંત કાચા ધોરીયાને કારણે નહેરનાં પાણી લીકેજને કારણે વાડી ખેતરોમાં ઓછુ પહોંચે છે જેથી ડેમ છલોછલ ભરાય તોય ઉનાળામાં પિયતનો ડુકો પડે છે અને છેવાડાનાં અનેક ગામોની જમીન પિયતથી વંચિત રહે છે.

શેત્રુંજી જળાશયની કેનાલો બિસ્માર બની ગઈ છે. વર્ષો વર્ષની આ ગંભીર સમસ્યા ને નિવારવા શેત્રુંજીની મુખ્ય કેનાલોને પાકી બનાવી તેમજ માટીનાં ધોરીયાને બદલે પાઇપ લાઇન પાથરીને પાણી વિતરણ કરવામાં આવે તો ઉપલબ્ધ પાણીનો સિંચાઇ માટે મહત્તમ લાભ મળે ઉપરાંત હજુ સુધી આ યોજનામાં સમાવિસ્ટ નહી થઇ શકેલા ઘણા ખરા વિસ્તારોને આવરી લેવામાં આવે તેવી ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠી છે. છેલ્લા વર્ષોમાં શેત્રુંજી કેનાલોની જાળવણીમાં બેદરકારીને કારણે દર વર્ષે કેનાલ સફાઇ,મરામત, જંગલ કટીંગ, ધોરીયા રીપેટીંગ, પેટ્રોલીંગ સહીત મેન્ટેનન્સનાં કરોડોનો ખર્ચે થવા છતા કોઇપણ કારણસર વિપુલ માત્રામાં કેનાલોનું પાણી વેડફાઇ રહયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજી જળાશયની મુળ યોજના અંતર્ગત 96 કિ.મી ડાબા કાંઠા અને 60 કિ.મી જમણાં કાંઠાની કેનાલો દ્રારા તળાજા મહુવા,ઘોઘા, અને પાલીતાણા નાં 127 ગામોની 34,500 હેકટર જમીનને પિયત આપવામાં આવતું જેમાં ક્રમશ: 40 બીટ કેનાલનો વધારો કરવામાં આવેલ છે. છતાં હજુ ઠળીયા, કુંઢડા, જાલવદર, રાળગોન, ઘાંટરવાળા, બેલડા, છાપરી, ઘાણા, પસવી વગેરે ગામો કેનાલથી વંચિત છે તેમજ દિહોર, ભદ્રાવળ, મામસી, ચુડી, હમીપરા, સાંખડાસર નં 2, બાખલકા, માંડવાળી, રાજપરા જેવા ગામોની ઘણી ખરી જમીન પિયતથી વંચિત રહે છે જેને ન્યાય આપવા શેત્રુંજી યોજનાનુ આધુનીકરણ કરવામાં આવે તો 52000 હેકટર જમીનને પિયતનો લાભ મળી શકે.

(PHOTO-FILE)