Site icon Revoi.in

CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ડિસેમ્બરમાં લેવાશે

Social Share

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન યાને CBSEની  સ્કૂલોમાં શિક્ષક બનવા બોર્ડ દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ડિસેમ્બરમાં લેવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ વખતે પણ CTET કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ હશે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેની ફીમાં કોઈ વધારો કરાયો નથી, જેથી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એક પેપરની ફી રૂ. 1000 અને બે પેપરની ફી રૂ. 1200 નક્કી કરાઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને ટૂંકમાં જ વેબસાઈટ પર માહિતી પુસ્તિકા અપલોડ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં CBSE બોર્ડ દ્વારા સ્કૂલોમાં શિક્ષક બનવા માટે CTETની પરીક્ષા લેવામાં આવે છે. અત્યાર સુધી બોર્ડ દ્વારા આવી 15 જેટલી પરીક્ષા યોજાઈ છે અને હવે ડિસેમ્બર-2022માં 16મી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-1થી 5ના શિક્ષક બનવા માટે પેપર-1ની પરીક્ષા લેવામાં આવે છે. જ્યારે ધોરણ-6થી 8ના શિક્ષક બનવા માટે પેપર-2ની પરીક્ષા લેવાય છે. જ્યારે જે ઉમેદવાર બંને પરીક્ષા આપવા માંગતો હોય તો તે બંને પેપર આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. CBSE બોર્ડ દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું આયોજન ડિસેમ્બર-2022માં કરવાની જાહેરાત કરાઈ છે. આ વખતે પણ બોર્ડ દ્વારા કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટના આધારે શિક્ષકોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, CBSE બોર્ડ દ્વારા પરીક્ષાની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરી નથી. પરંતુ ઉમેદવારોના એડમિટ કાર્ડ તારીખ નક્કી થયા બાદ આપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, CBSE દ્વારા લેવામાં આવનારી CTET સમગ્ર દેશમાં એક સાથે 20 જેટલી ભાષામાં લેવાશે. પરીક્ષાને લઈને આગામી દિવસોમાં બોર્ડ દ્વારા સિલેબસ, ભાષાઓ, એલિજિબિલિટી ક્રાઈટેરીયા, પરીક્ષા માટેના શહેરોની યાદી સહિતની તમામ વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે. આ માટે બોર્ડ ઈન્ફર્મેશન બુલેટીન વેબસાઈટ પર મૂકાશે. જેનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે એપ્લાય કરવાનું રહેશે. CTET માટેની પરીક્ષા ફીમાં કોઈ પણ જાતનો વધારો કરાયો નથી. પરીક્ષા માટે એક પેપરમાં ઉપસ્થિત રહેવા માંગતા જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફી રૂ. 1000 રહેશે. જ્યારે બંને પેપર માટે તેમની ફી રૂ. 1200 નક્કી કરાઈ છે. જ્યારે એક પેપર માટે એસસી, એસટીના ઉમેદવારોની ફી રૂ. 500 અને બંને પેપર માટે ફી રૂ. 600 નક્કી કરવામાં આવી છે. જોકે, પરીક્ષા માટેનો ખર્ચ વધ્યો હોવા છતાં બોર્ડ દ્વારા આ વખતે ફીમાં વધારો કર્યો ન હોવાનું જાણવા મળે છે.