Site icon Revoi.in

ગાંધીનગરમાં ધોળેશ્વર મંદિરના સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

Social Share

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.14/01/2024થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કરતા ગુજરાતના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા સફાઈ અભિયાનનું  જન આંદોલન હાથ  ધરાયું છે. દરમિયાન રવિવારે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવજીના મંદિરના સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

ગુજરાતમાં મકરસંક્રાંતિને રવિવારના દિનથી ધાર્મિક સ્થાનોમાં સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું છે. ત્યારે આ રાજ્યવ્યાપી અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી  થયા હતા. તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ગાંધીનગરના મેયર  હિતેશ મકવાણા, ધારાસભ્ય  અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

રાજ્યમાં રવિવારથી ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં ગીરસોમનાથ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વીઆઈપી સર્કિટ હાઉસના રોડ, સોમનાથ મંદિર એન્ટ્રી ગેટ સહિતના સોમનાથ મંદિરની આસપાસના રસ્તાઓની સાફ સફાઇ અને ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ કોડીનાર નગરપાલિકા દ્વારા મેઇન બજાર શિવાજી ચોકમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરની કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ કરીને મંદીર પરીસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યું હતું. સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સુત્રાપાડાનાં નવદુર્ગા મંદિરની અને આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી.

રાઘનપુર ભાજપ ઘારાસભ્ય લવીગજી ઠાકોરનો મંદિર નજીક કચરો વાળી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.