Site icon Revoi.in

વાદળો ગારંભાયેલા છે, પણ મેઘો વરસતો નથીઃ રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસથી આકાશમાં વાદળો ગોરંભાય છે પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી.આજે રવિવારે સવારથી બપોર સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડઝન તાલુકામાં વરસાદના સામાન્ય ઝાંપટા પડ્યા હતા. દરમિયાન આવતી કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં થોડા દિવસથી વરસાદની ગતિ મંદ થતા લોકો ગરમીથી હેરાન થઇ રહ્યાં છે.

છોટાઉદેપુરનાં ત્રણ તાલુકામાં આજે રવિવારે વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. વહેલી સવારથી બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, ઢોકલીયા અને અલીપુરામાં વરસાદના ભારે ઝાંપટા પડ્યા હતા. જેના કારણે લોકોએ અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવ્યો છે. આ સાથે ખેડૂતો વરસાદના વિરામને કારણે ચિંતિત બન્યા હતા પરંતુ ફરીથી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થશે પરંતુ સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી સર્જાઇ શકવાની ભીતિ છે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાયા નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી. ત્યારે હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે. આગામી 4 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગસ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે.

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 35.37 ટકા વરસાદ થયો છે. 2020 જુલાઈમાં 42.23 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 36.06 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે 5 ઓગષ્ટ 2020માં 44.79 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ 36.06 ટકા થયો છે. હજુ ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હજુ વરસાદ ખેંચશે તો મુશ્કેલી સર્જાશે. આંકડા પ્રમાણે વરસાદના ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં 57 ટકા અરવલ્લીમાં 54 ટકા, સુરેન્દ્રનગરમાં 52 ટકા, તાપીમાં સરેરાશથી 49 ટકા, દાહોદમાં 48 ટકા, વરસાદની ઘટ છે. 11 જિલ્લામાં તો વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટ છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.