Site icon Revoi.in

ભાજપને મુહૂર્ત મળતું નહોતું અને કોંગ્રેસે સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજને ઢોલ વગાડીને ખૂલ્લો મુકી દીધો

Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ આઈકોનિક ઓવરબ્રીજ અમદાવાદ શહેરની આગવી ઓળખ બની રહ્યો છે. ફૂટ ઓવરબ્રીજને લોકો માટે ક્યારે ખૂલ્લો મુકાશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને ઓવરબ્રીજ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં ફૂટ ઓવરબ્રિજનું ત્રણેક મહિનાથી ઉદ્ઘાટન કરવામાં નહીં આવતા મંગળવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના છેડેથી ઢોલ-નગારા સાથે ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભાજપના નેતાઓ પાસે સમયના અભાવના કારણે કોંગ્રેસ દ્વારા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ પાસે સમય ના હોવાને કારણે છેલ્લા 3 મહિનાથી રૂ. 80 કરોડથી વધુના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવતું ન હતું. જેથી લોકલાગણીને માન આપી કોંગ્રેસના કાઉન્સિલરો- કાર્યકર્તાઓની સાથે ફૂટ ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે ઢોલ નગારા અને ફુગ્ગાઓ સાથે રિવરફ્રન્ટ પૂર્વ તરફના છેડેથી લોકો માટે આ બ્રિજ ચાલુ કરી દેવાયો હતો.

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર બનાવેલો ફુટ ઓવરબ્રીજ એ શહેરની આગવી ઓળખસમો બની રહ્યો છે. આ બ્રીજ બનાવવા 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં 2100 મેટ્રિક ટન સ્ટીલનું વજન છે. બ્રીજ પર લોખંડના પાઈપનું સ્ટ્રકચર ઊભુ કરવામાં આવ્યુ છે. બ્રીજની 300 મીટર બ્રિજની લંબાઈ અને 100 મીટર વચ્ચેનો સ્પાન તેમજ બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બ્રીજના છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વ્યા છે. કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ મુકવામાં આવી છે. ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. આ બ્રીજ તૈયાર થયા બાદ મ્યુનિ.દ્વારા ઉદઘાટન ન કરાતા કોંગ્રેસ દ્વારા ઉદઘાટન કરી દેવાયું હતું.