Site icon Revoi.in

રાસાયણિક ખાતરમાં તોતિંગ ભાવ વધારા સામે કોંગ્રેસ ગામેગામ આંદોલન કરશે

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંધવારી પણ વધતી જાય છે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસનાને પહોંચ્યા છે, ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતાં ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યો છે, આ ભાવ વધારા ના પગલે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગણવામાં આવી રહ્યું છે અને આવો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ગુજરાતમાં ઇફકો દ્વારા ડીએપી ,એન.પી.કે તેમજ એનપીસી ખાતરના ભાવમાં અસહ્ય વધારો કરી દેવાતા ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યા છે. ગુજરાત કિસાન સેલ, ભારતીય કિસાન સંઘ સહિતના અનેક સંગઠનોએ આ ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ખેડૂત આગેવાન ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ગામડે-ગામડે આંદોલન કરવાની ચીમકી આપી છે. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ  પાલ આંબલીયા એવો આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે જ આ ખાતરનો ભાવ વધારો ઠોકી દેવાનો હતો, પરંતુ ખુદ કૃષિમંત્રીએ જે તે સમયે આ વાત નકારી ને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતા.

કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા એ અને પ્રદેશ મહામંત્રી બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે વિવિધ ખાતરોના ભાવમાં અસહ્ય વધારો કરીને કેન્દ્ર સરકાર સામે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પુરી થઇ એટલે તરત જ ખાતરમાં 46થી 58 ટકા ભાવ વધારો તા. 1 એપ્રિલ,2021થી ઝીંકવામાં આવ્યો હોવાથી ખેડૂતો ગામે ગામ આંદોલન કરશે તેવી ચિમકી કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઉચ્ચારી છે.

તેમણે કહ્યું હતું કે, માર્ચ મહિનામાં જ સરકારને વિધાનસભામાં ભાવ વધારો આવે છે તેને રોકવાની ચેતવણી આપી છે,આમછતા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. જયારે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ પણ કૃષિ મંત્રી આર.સી.ફળદું જ ભાવ વધારો આવ્યો નથી તેમ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હતા. ડીએપી ખાતરમાં 58 ટકા, એનપીકે10:26:16માં 51 ટકા, એનપીકે 12:32:16માં 52 ટકા,એનપી 20:20:13માં 46 ટકા ભાવ વધારો કર્યો છે. કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએ પણ ભાવ વધારાને વખોડી કાઢયો હતો.

ખાતરના ભાવ વધારાનો રોષ ફાટી નીકળતા ઇફકોના એમ.ડી. યુ.એસ.અવસ્થીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, 11.26 લાખ ટન ખાતર પડયું છે તેને જૂના ભાવે ખેડૂતોને અપાશે. આ મુદ્દે આંબિલાયએ કહ્યું કે, જુનો સ્ટોક તો જૂના ભાવે જ વેચવો પડે, પણ ભાવ વધારો થયો છે તે તો વાસ્તવિકતા જ છે.