Site icon Revoi.in

ગુજરાત પોલીસમાં સીધી ભરતીના 46 પીઆઈનો દીક્ષાંત સમારોહ CMની ઉપસ્થિતિમાં યોજાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  કરાઈ ખાતે પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 46 પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં 14 જેટલી બહેનો, 3 ડોક્ટર, 25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે. રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે. સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, DGP આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશકો અને વરિષ્ઠ અધિકારીઓ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી કહ્યા છે તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી. જ્યારે સમાજમાં તબીબ, ઇજનેરી કે અન્ય વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જોવા મળે છે, તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત અફસરોની ભાવના અભિનંદનીય છે. મુખ્યમંત્રીએ ટેક્નોલોજીનો સમયાનુકૂલ ઉપયોગ કરીને અને પ્રજા જીવનની રક્ષા- સુરક્ષા માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવીને સેવારત થવાનો ભાવ ઉજાગર કરવા પણ પ્રેરણા આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  નરેન્દ્ર મોદીએ દેશના અમૃતકાળ માટે વિકસિત- રાષ્ટ્ર નિર્માણનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવા રક્ષા શક્તિના આ કર્મયોગીઓ ફરજ નિષ્ઠાથી યોગદાન આપશે. ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનું આહવાન કરતા ઉમેર્યું કે, વિકાસની નવી ઊંચાઈઓ સુરક્ષાની બુનિયાદના આધારે સર કરીને આત્મનિર્ભર ભારત બનાવવું છે. તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનારા ઓફિસરોને મુખ્યમંત્રીએ ટ્રોફી,પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. સીધી ભરતીના બીજી બેન્ચના 46 પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમણે આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

Exit mobile version