Site icon Revoi.in

ગાંધીનગરમાં સમાવિષ્ટ 18 ગામોની આરોગ્યલક્ષી કામગીરી મ્યુનિ.કોર્પોએ સંભાળી લીધી

Social Share

ગાંધીનગરઃ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.  જેના પગલે 18 ગામોની પંચાયત તેમજ પાણી અને ગટર વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ મ્યુનિ.કોર્પોરેશનને  સંભાળી લીધી છે. જેના માટે 155 જેટલા આરોગ્ય કર્મચારીઓનો મ્યુનિ.કોર્પોરેશનમાં  હંગામી રીતે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરના 18 ગામોનું  મ્યુનિ.કોર્પોરેશનમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું હતું, અત્યાર સુધી આ ગામમાં રોડ રસ્તા ગટર અને પાણી તેમજ આરોગ્યલક્ષી સેવાઓનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતું હતું.  મ્યુનિ.કોર્પોરેશનમાં વિલનિકરણ  થતા ઘણા ગ્રામજનોએ તેનો વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય પછી મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓની જવાબદારીઓ પોતાના હસ્તક લઈ લેવામાં આવી હતી અને દરેક ગામોની પંચાયત કચેરી ઉપર મ્યુનિ.કોર્પોરેશનએ વોર્ડ કચેરીઓ પણ શરૂ કરી દીધી હતી અને ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી પણ આરંભી દેવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી 18 ગામોમાં પ્રાથમિક સુવિધાઓ સહિત આરોગ્યલક્ષી સેવાઓ જિલ્લા પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવતી હતી ત્યારે હવે 18 ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને સોંપી દેવામાં આવી છે. જેના પગલે આ ગ્રામ્ય વિસ્તારમાં 155 જેટલા આરોગ્ય કર્મચારીઓને મ્યુનિ.કોર્પોરેશનમાં  હંગામી રીતે રાખી લેવામાં આવ્યા છે. તદુપરાંત 15 સબ સેન્ટરો અને સુઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેથાપુર સરકારી દવાખાનાની જવાબદારી પણ  મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા ઉપાડી લેવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને તે દિશામાં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે.