Site icon Revoi.in

રામ મંદિર નિર્માણની ડીઝાઇન અંગે નિર્ણય, મુંબઈમાં તૈયાર કરવામાં આવી રહી છે પ્રિન્ટ

Social Share

મુંબઈ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારીઓને લઈને આજે યોજાયેલ મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં નિર્માણની ડીઝાઇન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં એલ.એન.ટી. અને ટાટાના ઇજનેરોએ નિર્માણની ડીઝાઇનનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું. ગુરુવારે પણ એક બેઠક મળી હતી. નિર્માણ સ્થળની નીચે પાણીની હાજરીને કારણે, મંદિરના ડીઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં મોડું થયું હતું, જેની આજે ચર્ચા કરવામાં આવી હતી.

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય, ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને અન્ય કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ટાટા અને એલનટીના એક્સપર્ટ પણ હાજર રહ્યા હતા.

હવે ફેબ્રુઆરીમાં રામ મંદિર નિર્માણની ડીઝાઇનની પ્રિન્ટ અયોધ્યા પહોંચશે. આ ડીઝાઇન મુંબઈની એક લેબમાં તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં, અયોધ્યામાં બાંધકામ સ્થળ પર કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. 40 ફૂટ ખોદકામ કરવામાં આવશે. ગઈકાલે નૃપેન્દ્ર મિશ્રાએ દેવ શિલ્પી વિશ્વકર્માની પૂજા કરીને કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

હાલમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદે 15 તારીખથી દેશભરમાં જન સહયોગ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત VHP રામ ભક્તો પાસેથી મંદિરના ભવ્ય નિર્માણ માટે સહયોગ લઈ રહી છે. આ સહયોગ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિના હસ્તે 5 લાખ એકસોના ચેકથી શરૂ થયું હતું.