Site icon Revoi.in

ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા માર્ચ 2020માં બંધ કરાઈ હતી

Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન ફરીથી ધબધબતું થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશો સાથે પણ હવાઈ સેવાઓ પુનઃ શરૂ થઈ છે. દરમિયાન ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવા ભારત સરકારે નિર્ણય લીધો છે. કોરોના મહામારીને પગલે આ સુવિધા બંધ કરવામાં આવી હતી.

ભારતે ઈંગ્લેન્ડથી ભારત આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ ખાતેના ભારતીય હાઈ કમિશનર વી.કે.દોરાઈ સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં ગત માર્ચ 2020થી ઈ-વિઝાની સુવિધા બંધ કરાઈ હતી. આ સુવિધા ફરીથી શરૂ કરવાની નવી તારીખોની જાહેરાત ટુંક સમયમાં કરાશે. આ સુવિધાના કારણે ભારત આવનાર ઈંગ્લેન્ડના નાગરિકો સરળતાથી ભારત આવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અન્ય દેશોને જોડતી હવાઈ સેવાઓનો ફરીથી પ્રારંભ થતા મોટી સંખ્યામાં દુનિયાના વિવિધ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરત પોતાની શૈક્ષણિક સંસ્થા પહોંચ્યાં છે. તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં એરલાઈન્સ મારફતે પ્રવાસીઓ ભારત આવી રહ્યાં છે.