Site icon Revoi.in

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પડતર પ્રશ્નો ન ઉકેલાતા પરીક્ષા કામગીરીનો બહિષ્કાર કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા મહિનાઓથી લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ મુખ્યમંત્રીથી લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત તથા મૌખીકરીતે અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. આથી હવે 1લી ડિસેમ્બરથી જીટીયુની પરીક્ષા સહિત તમામ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબ જ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરેલી છે. છતાં નિરાકરણ ન આવતા 1 ડિસેમ્બરથી શરૂ થતી GTUની પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર કરાશે. તેમજ 1 જાન્યુઆરીથી તમામ શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, બઢતી, એડહોક સેવા સળંગ, વિનંતી બદલી, વર્ગ-3 ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ સહિતના પ્રશ્નોને લઇ અધ્યાપકોએ 16 ઓક્ટોબરથી ગાંધી ચિંધ્યા માર્ગે 03 તબક્કાના કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં લડતના બે તબક્કા પૂર્ણ થઇ ગયેલા હોવા છતાં માંગણીઓને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ એકપણ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવ્યુ નથી. તેથી આંદોલનના વધુ તબક્કા જાહેર કરવામાં આવ્યા છે.

સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળના પ્રમુખ ડી.એસ પટેલે જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બર 2023થી શરૂ થતી GTUની પરીક્ષા વિષયક કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. તમામ અધ્યાપક પરીક્ષા વિષયક કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે, ત્યારબાદ 1 જાન્યુઆરી 2024થી શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરાશે. અધ્યાપકો તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. 15 જાન્યુઆરી બાદ આમરણાંત ઉપવાસ કરવામાં આવશે. (File photo)