Site icon Revoi.in

રાજકોટમાં વિદેશની જેમ શરૂ કરાયેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને નિષ્ફળતા, મ્યુનિ.ને ખર્ચ માથે પડ્યો

Social Share

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વાહનોનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરે તે માટે વિદેશની જેમ સાયકલ શેરિંગ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ મુખ્ય વિસ્તારમાંથી નગરજનો સાયકલ ભાડે લઇ શકે તે માટે સાયકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સાયકલનું એક કલાકના ભાડા કરતા રિક્ષા અને બસનું ભાડું સસ્તુ હોય આ પ્રોજેક્ટને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં મ્યુનિ.એ સાયકલનું એક કલાકનું ભાડું રૂપિયા 20 રાખવામાં આવતા નગરજનો આ પ્રોજેક્ટનો યોગ્ય લાભ લઈ શકતા નથી. આથી હાલ સાયકલોની ભંગાર જેવી હાલત થતા ધૂળ ખાય છે. પ્રજાને ટેક્સના પૈસામાંથી મ્યુનિ.કોર્પોરેશન વર્ષે 2 લાખ રૂપિયાનો ખર્ચ જાળવણી માટે કરે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કોટેચા ચોકમાં 20થી વધુ સાયકલ રાખવામાં આવી છે. જેનો ઉપયોગ નહીં થતા તે તમામ સાયકલ ધૂળ ખાઈ રહી છે. ત્યારે આ મામલે રાજકોટના મેયરે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ ચાલુ કરવામાં આવેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને હળવો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટમાં શહેરીજનોની સવલત માટે રેસકોર્સ સહિત ત્રણ સ્થળે ચાલતો સાયકલ શેરિંગ પ્રોજેક્ટ યોગ્ય જાળવણીના અભાવે ભંગારમાં ફેરવાયો છે. દર વર્ષે 2 લાખના ખર્ચ છતાં સાયકલો ઉપયોગ કરવા જેવી રહી નહિ હોવાની ફરિયાદો ઉઠી છે.

રાજકોટમાં 2015માં શહેરીજનો માટે યુરોપીય દેશોની યોજનાના આધારે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ થયો હતો. જેમાં લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે સાયકલ વાપરીને શહેરમાં હરી ફરી શકે છે. હેલ્થ માટે રેસકોર્સમાં પણ સાયક્લિંગ કરી શકે તે માટે શરૂ કરાયો હતો. રેસકોર્સ ઉપરાંત ઈન્દિરા સર્કલ અને કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે સાયકલો રાખવામાં આવી હતી અને તેમાંથી રેસકોર્સ ખાતેની સાયકલોનો શરૂઆતમાં ઉપયોગ થયો હતો પણ સાયકલો રિપેર કરવામાં આવતી નહિ હોવાથી લોકોને મુશ્કેલી પડવા લાગી હતી. જેના કારણે ધીમે ધીમે સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાંથી લોકોનો રસ ઉડવા લાગ્યો છે. હાલ સાયકલો પડી છે પણ તેની હાલત જોતા ચલાવવાની ઈચ્છા થાય તેવી નથી રહી. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માટે 180 સાયકલ ખરીદવામાં આવી હતી. જેમાંથી 60 ટકા સાયકલોની હાલત ભંગાર થઈ ચૂકી છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ સફળ થઈ શક્યો નહિ હોવાથી માય બાઈક નામે ભાડાની સાયકલનો નવો પ્રોજેક્ટ પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલે શરૂ કરાવ્યો હતો.​​​​ જેમા હાલ કલાકનું રૂ.20 ભાડુ વસુલવામાં આવે છે.