Site icon Revoi.in

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

Social Share

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. નવરાત્રીના પ્રથમ દિવસે લોકો ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. ઘણાબધા ભાવિકો નવરાત્રીમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવતા હોય છે.

માતૃદેવીની આરાધના માટે નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક માનવામાં આવે છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે ‘દસ દિવસ’ એ નવરાત્રી પછીનો દિવસ છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રિનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની (દુર્ગા)ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રીનો મહિમા વર્ણવામાં આવ્યો છે. જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઊજવણી કરવામાં આવે છે, અને વસંત કાળમાં વસંત (ચૈત્રી )નવરાત્રીની ઉજવણી થાય છે.

શારદીય નવરાત્રી યાને શરદ (આસો) નવરાત્રીનું મહાત્મ્ય છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે, શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે. અશ્વિન/આસો મહિનાના અજવાળીયા પક્ષમાં તેનો પ્રારંભ થાય છે. નવરાત્રી ઉત્સવની ઊજવણી સુદ પખવાડીયામાં પ્રતિપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું.

નવરાત્રી પર્વનું ગુજરાતમાં અનેરૂ મહાત્મ્ય છે. ગુજરાતના નાના-મોટા શહેરો અને ગાંમડાંઓમાં પણ મોડી રાત સુધી યુવક-યુવતીઓથી લઈને આબાલ-વૃદ્ધો સૌ કોઈ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. ઘણા બધા ગામડાંઓમાં તો આજે પણ પ્રાચિન ગરબા યોજાતા હોય છે. માથે ગરબીઓ લઈને બહેનો ગરબે ધૂંમતી હોય છે. ગુજરાતના ગરબા તો હવે વૈશ્વિક ઓળખ બની ગયા છે. પોરબંદર પંથકમાં મેર સમાજના ભાઈના દીંડીયા રાસ જોવાનો પણ એક લહાવો હોય છે. ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાંઓમાં પુરૂષો મહિલાનો વેશ ધારણ કરીને માતાજીના ગરબે ઘૂમતા હોય છે. ઘણાબધા ગામડાંઓમાં રામલીલીના કાર્યક્રમો પણ યોજાતો હોય છે. આમ નવરાત્રીના નવલી રાત આનંદોત્સવનું નજરાણું બની રહેતી હોય છે. ગુજરાત બહારના રાજ્યોમાં તેમજ વિદેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી સમાજના લોકો રહે છે, ત્યાં પણ નવરાત્રીનું પર્વ આનેદોલ્લાસથી ઊજવવામાં આવે છે.