Site icon Revoi.in

ધો.9થી12ની પ્રથમ કસોટી 18મી ઓક્ટોમ્બરથી લેવાશે, પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરાશે

Social Share

અમદાવાદઃ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી એક સાથે 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ કસોટી માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા આપવામાં આવશે. સ્કૂલોએ ફરજિયાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને સમય પત્રક મુજબ જ પરીક્ષા યોજવાની રહેશે. પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. પ્રથમ કસોટીમાં ધોરણ-9થી 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો હશે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં 50 ગુણના MCQ અને 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો હશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા અંગેની સુચનાઓ બહાર પાડી દીધી છે.  જે મુજબ  પરીક્ષાનું તા. 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે.

બોર્ડ દ્વારા ધોરણ-9 અને 10માં ગુજરાતી, ગણીત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ધોરણ-11 અને 12 સાયન્સમાં અંગ્રેજી, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝીક્સ અને ગણીત તેમજ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી, નામાના મુળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો અને સમયપત્રક બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ સિવાયના વિષયોના પેપર શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. સમગ્ર રાજ્યમાં એક સાથે પરીક્ષા લેવાય તે માટે બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

પ્રથમ કસોટીને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એક અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવાની રહેશે. નોડલ અધિકારીએ એક ગોપનીય ઈ-મેઈલ આઈડી બનાવવાનો રહેશે. નોડલ ઓફિસરના વિષયોના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રશ્નપત્રોની સીલબંધ કોપી પરીક્ષાના 12 દિવસ પહેલા એટલે કે 5 ઓક્ટોબરના રોજ રૂબરૂમાં આપવામાં આવશે. આ માટે નોડલ અધિકારીઓની  મીટીંગ અને પ્રશ્નપત્ર સ્વીકારવા માટે 5 ઓક્ટોબરે બોર્ડની કચેરીએ હાજર રહેવું પડશે.