Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષામાં હવે જનરલ ઓપ્શન નહીં અપાય

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષામાં અત્યાર સુધી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવા જનરલ ઓપ્શન આપવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને ત્રીજી લહેર પણ સમાપ્ત થઇ રહી છે તે જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી 28 માર્ચથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષામાં જનરલ ઓપ્શનનો લાભ વિદ્યાર્થીઓને નહીં મળે તેવું જણાવાયું છે અને પરીક્ષા રેગ્યુલર પદ્ધતિ મુજબ જ લેવામાં આવશે.

ગુજરાતમાં  કોરોનાની બીજી અને ત્રીજી લહેર દરમિયાન શિક્ષણ ક્ષેત્રને ખૂબ મોટી અસર થઈ હતી, શાળા કોલેજોમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. અટલે તે સમયે વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. અને શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ એવો નિર્ણય લીધો છે. કે, 28 માર્ચથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષામાં જનરલ ઓપ્શનનો લાભ વિદ્યાર્થીઓને નહીં મળે અને પરીક્ષા રેગ્યુલર પદ્ધતિ મુજબ જ લેવામાં આવશે. તમામ ફેકલ્ટીના વર્ષ 2016 અને 2019ના વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિ.ની 28મીથી શરૂ થતી પરીક્ષા 6 એપ્રિલ સુધી ચાલશે. મોટાભાગની પરીક્ષાનો સમય બપોરે 2.30થી સાંજે 5 કલાક સુધીનો રખાયો છે. આગામી તારીખ 28મીએ જુદી જુદી ફેકલ્ટીના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં આર્ટસ ફેકલ્ટીમાં બીએ, બીએસડબ્લ્યુ સેમેસ્ટર-6, બીબીએ અને બીએચટીએમ સેમેસ્ટર-6, એમબીએ સેમેસ્ટર-4, કોમર્સમાં બી.કોમ સેમેસ્ટર-6, બીએ (બીએડ) સેમેસ્ટર-6, બીએસસી હોમ સાયન્સ સેમેસ્ટર-6, લો ફેકલ્ટીમાં એલએલબી અને બીએ એલએલબી સેમેસ્ટર-6 સહિતના કોર્સની પરીક્ષા લેવાશે. પરંતુ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ નહીં મળે.

 

Exit mobile version