Site icon Revoi.in

ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને અપાતી સહાય સરકારે એકાએક બંધ કરી દીધી

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગે કેટલીક સેલ્ફ ફાયનાન્સ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અનિયમિતતા બહાર આવતા  તમામ ખાનગી શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય વિસ્તારોની ખાનગી શાળાઓને સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક સહાયને લીધે શાળા સંચાલનમાં મુશ્કેલી પડતી નહોતી. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ફી ઓછી હોવાને લીધે ખાનગી શાળાના સંચાલકોને લાભ મળી રહેતો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા,સ્ટાફની લાયકાત સહિત અન્ય પ્રવૃતિઓમાં પણ સુધારો થાય તે માટે વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયાની સહાય ખાનગી નોન ગ્રાન્ટેડ શાળાઓને અપાતી હતી.તેમાં ધારાસભ્યો અને શિક્ષણ ક્ષેત્રના પણ કેટલાક લોકોની રજૂઆત મળતા સરકારને તેમાં તથ્ય લાગતા શાળાઓને હવે પછી આ રકમ અપાશે નહીં.  સરકારે ત્રણ વર્ષ પછી વિચારણા અંતે પ્રોત્સાહક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે અનુદાન વિના ચાલતી બિન સરકારી માધ્યમિક શાળાઓ માટે આ નિર્ણય લીધો છે. જેમાં શિક્ષણનું સ્તર સુધારવાના હેતુથી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્વ નિર્ભર શાળાઓને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા અપાતા હતા. સમયાંતરે તેના નિયમોમાં વિભાગે સુધારા પણ કર્યા હતા. શાળા કમિશનરની કચેરી દ્વારા પ્રોત્સાહનરૂપે અપાતી સરકારની સહાયના ઉપયોગ અંગે શાળાઓની તપાસ કરી હતી. જેમાં અનિયમિતતા બહાર આવી હતી. તે પછી જુન-2020માં જ આ કચેરી દ્વારા માધ્યમિક શાળાઓની પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો અભિપ્રાય આપ્યો હતો. છેવટે ત્રણ વર્ષ પછી વિચારણા કરીને સરકારે તેને બંધ કરવાનો હવે નિર્ણય લીધો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખાનગી શાળાઓને એક વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા એટલે એક વર્ગખંડ મુજબ જંગી રકમ મળતી હતી પરંતુ તેનો મોટાભાગની શાળાઓમાં યોગ્ય ઉપયોગ થતો નહીં હોવાની ફરિયાદ કેટલાક ધારાસભ્યોએ પણ કરી હતી. તો કેટલાક શિક્ષણ વિદ્દો પણ તેના સમર્થનમાં હતા. એટલું જ નહીં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી પણ લેતી હોય છે ત્યારે સરકાર દ્વારા તેને શા માટે સહાય આપવી જોઇએ તેવો સવાલ પણ લાંબા સમયથી ઉઠાવાતો હતો.(file photo)

 

Exit mobile version