Site icon Revoi.in

ધોરણ 8થી 9માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારે કર્યો આદેશ, શાળા સંચાલકો અવઢવમાં મુકાયા

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8થી 9નો ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. શા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. તેની માહિતી મેળવ્યા વિના રાજ્યના શિક્ષણ સચિવે શાળા સંચાલકોને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયોને 0 ટકા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે  વિદ્યાર્થીએ ભણતર છોડી દીધું છે, એવા વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમને પરત સ્કૂલમાં એડમિશન આપવાનો આદેશ કર્યો છે,  પરંતુ વિદ્યાર્થીઓ વિના તેમને પ્રવેશ કેવી રીતે આપવો તે સવાલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને વળતો પત્ર લખ્યો છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, રાજ્યની સ્કૂલો 5 જૂનના શરૂ થઈ છે. જેને ત્રણ મહિના જેટલો સમય થયો છે. બોર્ડના સમયપત્રક મુજબ પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે અને બીજી કસોટીના પ્રશ્ન પણ આવી ગયા છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક પણ આપી દેવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ડ્રોપ આઉટ થઈને પ્રવેશ નહિ મેળવનારા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવા જણાવવામાં આવ્યું છે. પરંતુ વાલીઓ કે વિદ્યાર્થીઓ એડમિશન લેવા સ્કૂલમાં આવ્યા નથી. ધોરણ 9નું ફોર્મ કોણ ભરશે અને વિદ્યાર્થીઓની વિગત કઈ રીતે મેળવી શકશે. સંચાલકોને પણ ડર છે કે, આ વિદ્યાર્થીઓ ગામ અને શહેર છોડીને ચાલ્યા ગયા છે. તો તેમને ભૂતિયા વિદ્યાર્થી તરીકે વર્ગ રજીસ્ટરમાં હાજરી પુરવી કે કેમ ?, ધોરણ 8થી 9માં જેને પ્રવેશ મેળવ્યો નથી તેવા વિદ્યાર્થીઓને શોધીને ધોરણ 9માં પ્રવેશ અપાવીને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયો 0 ટકા લાવવા ફક્ત કાગળ પર જ કાર્યવાહી કેટલા અંશે વ્યાજબી છે.