Site icon Revoi.in

ગુજરાતમાં સાડા છ કરોડ લોકોની આરોગ્ય સેવા માટે સરકાર કોઈ કચાસ રાખશે નહીઃ આરોગ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગ માટે વર્ષ 2024-25 ની અંદાજપત્રીય માંગણીઓમાં જણાવ્યું કે, રાજ્યના 6.5 કરોડના આરોગ્યની દરકાર અમારો આરોગ્ય પરિવાર કરી રહ્યો છે. આરોગ્ય વિભાગના 73 હજાર થી વધું કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજરત રહીને પ્રત્યેક નાગિરકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ પુરી પાડવાની કટિબધ્ધતા દેખાડી રહ્યા છે.

રાજ્યમાં પથરાયેલું વિશાળ આરોગ્ય માળખું, ભૌગોલિક પરિસ્થિતિ, વિભિન્ન સંસ્કૃતિ, વિષમતાઓ વચ્ચે પણ રાજ્યના નાગરિકોને સર્વોત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના ઇરાદાઓમાં ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહીં તેમ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે. વડાપ્રધાનએ આપેલા હેલ્થ એન્ડ વેલનેસના મંત્ર સાથે રાજ્ય સરકાર  હોલિસ્ટીક હેલ્થકેર ફોર ઓલના અભિગમ અપનાવીને રાજ્યની આરોગ્ય સેવાઓનું વિસ્તૃતીકરણ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે આરોગ્ય કલ્યાણ વિભાગની માગણીઓ પરની ચર્ચા કરતા વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોને સર્વોત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અમારા ઇરાદામાં ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહીં,  વર્ષ 2001-02 આરોગ્ય વિભાગ માટેની જોગવાઇ રૂ. 972 કરોડ હતી જે વર્ષ 2024-25માં 20,100 કરોડ પહોંચી છે. રાજ્યમાં બાળ મૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા સતત પ્રયત્નશીલ છીએ. અંદાજપત્રમાં અતિ જોખમી સગર્ભા માતાઓને મેડીકલ કોલેજ હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે પ્રસુતિ પહેલા દાખલ અને પ્રસુતિ બાદ 7 દિવસનું રોકાણ માટે રૂ.15000 અને આશા વર્કરને લાભાર્થી દીઠ રૂ.3000 /-પ્રોત્સાહક રકમ આપવા રૂ. 53 કરોડની જોગવાઇ કરાઇ છે.

આ ઉપરાંત રાજ્યના ઉત્તર ઝોનમાં 8, મધ્ય ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 4, સૌરાષ્ટ્ર ઝોનમાં 16, અને કચ્છ ઝોનમાં 1 આમ કુલ 35 જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ટ્રોમા કેર સેન્ટરની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે કુલ રૂ.22.59  કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર જનતાના લાભાર્થે વિનામુલ્યે સરકારી ટેસ્ટની યોજના માટે રૂ.100 લાખની જોગવાઇ કરી છે. તેમજ રાજ્યના આદિજાતી વિસ્તારના 50 મોબાઇલ દ્વિચક્રી બાઇક માટે માનવબળ તથા સંચાલન પુરુ પાડવા માટે રૂ.180 લાખની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531  હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે 3,110 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Exit mobile version