Site icon Revoi.in

કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ રાજ્યપાલે પરત કર્યું

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ સરકારને પરત કરી દીધું છે. રાજ્યપાલે વધુ સ્પષ્ટતા સાથે બિલને ફરીથી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બિલમાં મંદિરોની આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરાઈ હતી. આ બિલનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું છે કે, કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ બિલ, જે વર્ષ 2011 અને 2012માં રજૂ કરવામાં આવ્યું હતું, તેના પર હાઈકોર્ટની ધારવાડ બેંચ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. રાજભવન તરફથી કહેવામાં આવ્યું છે કે, ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં, કેસની પેન્ડન્સી દરમિયાન સુધારા કરી શકાય કે કેમ તે અંગે સ્પષ્ટતાની જરૂર છે, ખાસ કરીને જ્યારે સમગ્ર બિલને હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો.

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યમાં મંદિરો પર ટેક્સ લાદવા માટે કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલ હેઠળ સરકાર રાજ્યના મંદિરો પાસેથી પાંચ ટકા ટેક્સ વસૂલ કરશે જેમની વાર્ષિક આવક 10 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે. સરકાર એવા મંદિરો પર 10 ટકા ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે જેની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ બિલ વિધાનસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ હવે રાજ્યપાલે તેના પર વધુ સ્પષ્ટતાની માંગ કરતા બિલ પરત કર્યું છે.

કર્ણાટકમાં 34 હજારથી વધુ મંદિરો સરકાર હેઠળ છે. સરકારે વાર્ષિક કમાણીના આધારે આ મંદિરોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. સરકાર વધુ કમાણી કરતા મંદિરો પાસેથી પૈસા લે છે અને આર્થિક રીતે નબળા મંદિરો અને તેમના પૂજારીઓના કલ્યાણ માટે ખર્ચ કરે છે. રાજ્ય સરકારની દલીલ છે કે, તે મંદિરોમાંથી આવક વધારવા માંગે છે, જેથી આર્થિક રીતે નબળા મંદિરો અને તેમના પૂજારીઓને પૂરતી મદદ કરી શકાય. સાથે જ ભાજપનો વિરોધ એ છે કે સરકાર માત્ર હિંદુ મંદિરો પર જ ટેક્સ કેમ લાદી રહી છે અને ભાજપ અને સંતો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર બજેટમાંથી પૂજારીઓને પૈસા કેમ નથી આપી શકતી?