Site icon Revoi.in

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કાલે બુધવારે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ગત માર્ચ 2023માં  લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બુધવારે જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યથી પરિણામ જોઈ શકાશે. ધોણ 12 સામાન્ય પ્રવાહનું કેટલા ટકા પરિણામ આવશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જોહાર કરાયા બાદ હવે આવતી કાલે તા.31મી મેને બુધવારના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહના પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય છે, ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થાય છે. પરંતુ પ્રથમ વખત આ વર્ષે 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું અને અંતમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સમાં ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો હતો, ત્યારે 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વધશે કે ઘટશે તેને લઈને મુંઝવણ છે. વર્ષ 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જો કે, 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું હતું.