Site icon Revoi.in

ગુજરાત સરકાર હવે બેન્કો પાસેથી ઓછા વ્યાજની લોન લઈને સી-પ્લેન ચલાવશે

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા 18 મહિનાથી બંધ છે. શરૂઆતથી સી-પ્લેન સેવા અનિયમિત રહેતા પ્રવાસીઓનો યોગ્ય રિસ્પોન્સ મળ્યો નહતો. અને સી-પ્લેન સેવા બંધ કરવી પડી હતી. ત્યારબાદ સરકારે ટેન્ડર રિલીઝ કરીને ઓફર મંગાવી હતી. તેને પણ રિસ્પોન્સ ન મળતા આખરે રાજ્ય સરકારે બેન્ક પાસેથી ઓછા વ્યાજે ફાયનાન્સ મેળવીને સી-પ્લેન સેવા ફરીવાર કાર્યરત કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સર્વિસ ઓક્ટોબર 2020માં શરૂ કરાઇ હતી, જેનો ફક્ત 2000 મુસાફરોએ લાભ લીધો હતો. સી પ્લેન વર્ષ 2021થી બંધ છે. છેલ્લા એક વર્ષ અને આઠ મહિના નિષ્ક્રિય રહ્યા પછી હવે રાજ્ય સરકારે પહેલીવાર સી પ્લેનના સમગ્ર પ્રોજેક્ટ પર બેન્કો પાસેથી લીઝ ફાયનાન્સ લેવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ. (ગુજસેલ) દ્વારા ટેન્ડર બહાર પડાયું છે. આમ સરકારે સ્ટેટ એવિશનના રૂ. 280 કરોડમાંથી એક પાઇ પણ નહીં ખર્ચવાનું નક્કી કર્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા  છેલ્લા ત્રણ વર્ષથી સ્ટેટ એવિએશનના બજેટમાં ઘટાડો કરાયો છે. ત્યારે મહત્ત્વાકાંક્ષી સી પ્લેન પ્રોજેક્ટનો ફરી ફિયાસ્કો ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે ન્યૂ બ્રાન્ડ સી પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા છે, જેમાં સી પ્લેનથી લાવવાની માંડીને સમગ્ર પ્રોજેક્ટ રન કરવા કેટલો ખર્ચ થશે તેની પ્રપોઝલ પણ તૈયાર કરાઈ છે. આ તમામ પૈસા સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં ખર્ચાય, પરંતુ બેન્ક પાસેથી ઓછા વ્યાજે લીઝ ફાયનાન્સ લેવાશે, જેમાં સરકાર ગેરન્ટર બનશે તેવી પણ શક્યતા છે. સી પ્લેન માટે લીઝ ફાયનાન્સ કેટલું લેવામાં આવશે તે હજુ નક્કી નથી પણ આગામી 15 દિવસમાં નક્કીઆ અંગે કોઈ નિર્ણય લેવાશે.  બેન્કો પણ આ પ્રપોઝલ માટે ફંડિંગ વાયેબિલિટી કેટલી છે તે જોઇને ફાયનાન્સ કરશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સી પ્લેન સેવા ચલાવવા સ્ટેટ એવિએશન વિભાગે ટેન્ડર બહાર પાડ્યા હતા. તેમાં સરકારે જે તે ઓપરેટરને સ્ટેટ વીજીએફ આપવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ત્રણ કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ ઊંચા ખર્ચના કારણે ઓપરેટરો પ્રોજેક્ટમાં રસ નહોતા દાખવતા. આ સર્વિસ ચલાવવા કોઇ એજન્સી ન મળતા આખરે રાજ્ય સરકારે સી પ્લેન ખરીદી પોતે જ સંચાલન કરવાનું નક્કી કર્યું છે.