Site icon Revoi.in

પાવાગઢની પર્વતમાળાની કોતરો પ્રકૃતિની સફાઈ કરતા 10થી વધારે પક્ષીરાજ ગીધનો વસવાટ

Social Share

અમદાવાદઃ કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે.

વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 9 પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ 7 પ્રકારની પ્રજાતિઓ તો આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. આ 7 પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર માઈગ્રેટ કરીને અહિં આવે છે. જ્યારે બિયાર્ડેડ વલ્ચર અને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર ક્યારેક ક્યારેક ગુજરાતમાં જોવા મળે છે.

દુધાળા પશુઓને અપાતા કેમિકલ યુક્ત ઈંજેકશનોને કારણે ગીધો ઉપર જોખમ ઊભુ થયુ છે. મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધોનું અસ્તિત્વ જોખમાયુ છે. ખાસ કરીને ગુજરાતમાં ગીધોની વસ્તીમાં ૬૬ ટકાનો ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે. સફેદ ધાબા વાળા ગીધો સર્વસામાન્ય છે. ગુજરાતમાં ઇન્ડિયન વલચર પણ બહુધા જોવા મળે છે. તેની પાંખો અઢી ફૂટ સુધી ફેલાઈ શકે છે.

બહુધા આ ગીધો માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. પુખ્ત વયનું ગીધ 70 થી 85 સે.મી. ઊંચું અને પાંચથી છ કી.ગ્રા.વજન ધરાવતુ હોય છે. માદા કરતા નર ગીધની લંબાઇ વધુ હોય છે. તેઓ 10 થી 12નાં સમૂહમાં વસવાટ કરે છે. વર્ષમાં એક વખત 1 ઈંડું મૂકે છે અને બચ્ચા ઉછેરનો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોંઝેરવેશન ઓફ નેચર દ્વારા ગીધની આ પ્રજાતિને અતિ જોખમમાં આવી ગયેલા પક્ષીઓની યાદીમાં મૂકવા આવી છે.

ગીધોનો માનવજાતિ પર મોટો ઉપકાર છે. તેઓ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા. ગીધોનું એક ટોળુ એક મૃત પશુને 3 થી 4 મિનિટમાં સફાચટ કરી જાય છે.

પાવાગઢમાં માતાજીનાં ડુંગરાની પાછળની તરફ કોતરોમાં 2 થી 3 માળા, નવલખા કોઠારવાળી કોતરોમાં 6 જેટલી માળા હોવાનો અંદાજ છે. ગીધની સફેદ હગાર ઉપરથી માળા હોવાનો સહજ અંદાજ લગાવી શકાય છે. જેમાંથી માતાજીનાં મંદિરવાળી કોતરોમાં આવેલા 1 માળામાં ગીધનું બચ્ચું જોવા મળે છે. આ ગીધો સવારના 11 વાગ્યાથી મોડી રાત સુધી ખોરાકની શોધમાં આકાશમાં ચક્કર લગાવતા રહે છે. તે એક હજાર ફૂટ જેટલી ઊંચાઈએ ઊડે છે ત્યાંથી તેની તીક્ષ્ણ નજર મૃત પશુને જોઈને ઝપટ લગાવે છે.