Site icon Revoi.in

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

Social Share

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે.

પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જૂના નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજના પ્રવેશદ્વાર વાહનચાલકો, રાહદારીઓ અને લોકો માટે બંધ થઈ ગયા છે. ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજ વર્ષ 1881માં બન્યો હતો. આ બ્રીજ ચાલુ થયાને હાલ 143 વર્ષ પૂર્ણ થયા છે. આ બ્રીજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલા છે. આ બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઇ છે. વર્ષ 2015-16 માં ગોલ્ડનબ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા 12 જુલાઈ 2021થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ પરથી છૂટા છવાયા વાહનો પસાર થતા હતા. હવે બ્રિજ બન્ને તરફ આડશો મુકીને બંધ કરી દેવામાં આવ્યો છે.

ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ વર્ષો બાદ પણ મજબુત દેખાય રહ્યો છે. પરંતુ બ્રિજે તેની આયુષ્ય મર્યાદા વટાવી દીધી હોવાથી કોઈપણ સમયે બ્રિજમાં ક્ષતિ અજાણે થઈ શકે તેવી શકયતા રહેલી છે. અવાર નવાર નિરીક્ષણ કરવાનું રહેતું હોઈ નિરીક્ષણ કરનારા ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લાદવા દરખાસ્ત મળી હતી. દરખાસ્ત પરત્વે પોલીસ અધિક્ષક પાસે અભિપ્રાય મંગાવતા નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય બ્રિજના બન્ને છેડાઓ તરફથી અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશ કરવા કે વાહનોની અવરજવર ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લાદવા અભિપ્રાય આપ્યો હતો.ગોલ્ડન બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ થઈ શકે તેવી શકયતા રહેલી હોઈ નિરીક્ષણ કરનારા ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિત વાહનોની ઉપર સંપૂર્ણ અવરજવર બંધ કરવા ભરૂચ કલેકટર તુષાર.ડી.સુમેરા દ્વારા 12 જુલાઈથી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી પાબંદી ફરમાવી દેવાઈ છે.