Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિના વિપક્ષના નેતાની નિમણૂંકનો પ્રશ્ન પખવાડિયામાં ઉકેલાય તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની  સામાન્ય ચૂંટણી પૂરી થયાને છ મહિના વીતી ગયાં બાદ મ્યુનિ.કોંગ્રેસપક્ષનાં નેતાની પસંદગીનો અટવાયેલો મામલો હવે હલ થાય એવું લાગી રહ્યું છે. મ્યુનિના વિપક્ષના નેતાની વરણી ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરો પણ અકળાયા હતા. કોંગ્રેસમાં ચાલતી જુથબંધી અને ધાકાસભ્યો પોતાના માણસને જ વિપક્ષના નેતાપદે નિયુક્ત કરવા દબાણ કરી રહ્યા હતા. જેના કારણે છેલ્લા 6 મહિનાથી નિર્ણય લઈ શકાતો નહતો. હવે ટૂંક સમયમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

મ્યુનિ.કોંગ્રેસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેર-પ્રદેશ કોંગ્રેસમાં અનેક વિવાદ-વિખવાદ વચ્ચે મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી યોજાઇ ગઇ અને કોંગ્રેસને ફરી વિરોધપક્ષમાં જ બેસવાનો વારો આવ્યો હતો. મ્યુનિ.માં ભાજપે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાને છ મહિના થઇ ગયાં તેમ છતાં મ્યુનિ.કોંગ્રેસના નેતાનાં ઠેકાણા પડતા નથી. મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા તરીકે મુખ્યત્વે ચાર કોર્પોરેટરો દાવેદાર મનાય છે, જેમાં દાણીલીમડાનાં કોર્પોરેટર શેહઝાદખાન પઠાણ, ગોમતીપુરનાં કોર્પોરેટર ઇકબાલ શેખ, બહેરામપુરાનાં કોર્પોરેટર કમળાબેન ચાવડા અને ચાંદખેડાનાં કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરીનો સમાવેશ થાય છે અને ચારેય દાવેદાર કોંગ્રેસનાં જુદા જુદા આગેવાનોનું સમર્થન ધરાવે છે. ચાર દાવેદારમાંથી કોની નેતા તરીકે પસંદગી કરવી તેમાં કોંગી નેતાગીરી અત્યારસુધી અનિર્ણિત રહી છે. બીજી તરફ મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા નહિ હોવાથી કોંગ્રેસ કાર્યાલયમાં આવતાં કાર્યકરો અને નાગરિકોની સંખ્યા ઘટીને દિવસનાં માંડ એકાદની થઇ ગઇ છે. કોંગ્રેસનાં અન્ય કોર્પોરેટરો પણ કાર્યાલયમાં આવવાનું ટાળી રહ્યાં છે. કોંગ્રેસપક્ષ નેતા નક્કી નહિ થતાં સૌથી વધુ રાહત મ્યુનિ.ભાજપ અને વહિવટીતંત્રને થઇ ગઇ છે. છેલ્લા છ મહિનામાં અનેક વિવાદાસ્પદ અને વિરોધ થઇ શકે તેવા કામો ધડાધડ મંજૂર કરી દેવાયા છે. મ્યુનિ.ની સાથે સાથે જનમાર્ગ, એસવીપી, રિવરફ્રન્ટ સહિતની મહત્વની સંસ્થાઓમાં પણ શું થઇ રહ્યું છે તે બહાર આવતું નથી. તાજેતરમાં પણ સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં પણ વિરોધપક્ષ નેતાની ગેરહાજરી સાલી હતી.

મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતાપદ માટે સૌથી પ્રબળ દાવેદાર દાણીલીમડાનાં કોર્પોરેટરનો વિરોધ કરતાં એક ધારાસભ્યે તાજેતરમાં તેમને સમર્થન આપી દીધું છે, તો કોંગ્રેસનાં કોર્પોરેટરો અને કાર્યકરોએ પણ હવે બહુ થયું, નેતા નક્કી કરો તેવી નારાજગીસભર લાગણી વ્યક્ત કરતાં કોંગ્રેસ નેતાગીરીએ મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતાપદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની કવાયત ફરી શરૂ કરી છે અને આગામી સપ્તાહમાં અને વધુમાં વધુ પખવાડિયામાં મ્યુનિ.વિરોધપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવાશે તેમ કોંગ્રેસનાં કેટલાક કોર્પોરેટરોએ જણાવ્યું હતું.

Exit mobile version