Site icon Revoi.in

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે PM મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ 1990માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ લોકોને ખુબ પસંદ આવી રહી છે. દેશમાં ફરીથી કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનો મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે. દરમિયાન કોંગ્રેસે ફિલ્મ કાશ્મીર ફાઈલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને તેમની ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના સમર્થવાળી કેન્દ્ર સરકારમાં કાશ્મીરી પંડિતોએ હિજરત કરી હતી. પરંતુ વડાપ્રધાન ઈજાના ઘા તાજા રાખીને ફાયદો ઉઠાવવા માંગે છે.

કોંગ્રેસના પ્રવકત્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવો છે કે, જ્યારે 1990માં કાશ્મીરી પંડિતો આતંક અને અત્યાચારને પગલે હિજરત કરવા મજબુર બન્યાં ત્યારે ભાજપના 85 સાંસદોના સમર્થનવાળી કેન્દ્રની વી.પી.સિંહની સરકાર હતી. ત્યારે તેઓ શું કરતા હતા, મુખ્યમંત્રીને હટાવવાની સાથે રાજ્યપાલ દ્વારા પંડિતોને સુરક્ષા આપવાની જગ્યાએ હિજરત કરવા માટે પણ ઉશ્કેર્યાં હતા.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સમર્થિત સરકારમાં જ્યારે કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર અને હિજરત થઈ હતી. ત્યારે રાજીવ ગાંધીએ સંસદનો ઘેરાવ કરીને અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ ભાજપને આ ત્રાસદીને મૌન સમર્થન આપ્યું હતું અને રાજનૈતિક ફાયદા માટે રથયાત્રા નીકાળી હતી.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આઠ વર્ષમાં મોદી સરકારે કાશ્મીરી પંડિતોના પુનઃવર્સન માટે શું કર્યું, કાશ્મીરમાં ફરીથી હાલત ખરાબ થવાની સાથે હિંસા વધી અને હજારો કાશ્મીરીઓ પલાયન થવું પડ્યું. જ્યારે કાશ્મીરી પંડિતો માટે કંઈ ના કરી શક્યાં તો ફિલ્મ જોવા લોકોને એકત્ર કરી રહ્યાં છે નફરતની ખેતીથી ફાયદાનો પાક ક્યાં સુધી? તેવો સવાલ પણ કર્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે કાશ્મીરી પંડિત હિજરત કરવા મજબુર બન્યાં ત્યારે ભાજપના સમર્થનવાળી સરકાર ચાલતી હતી. મુખ્યમંત્રીને હટાવીને આપના નેતા જગમોહન રાજ્યપાલ હતા અને તેમને જવાબદારીથી હાથ અધ્ધર કર્યાં હતા. તે સમયે ભાજપ અને અડવાણીજી રથયાત્રામાં વ્યસ્ત હતા અને રથયાત્રાનું સંચાલન મોદી કરતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંપ્રગ સરકારએ 10 વર્ષમાં 4241 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને પ્રધાનમંત્રી પેકેજમાં કાશ્મીરી પંડિતોને 3000 નોકરીઓ અપાઈ હતી. જ્યારે 5911 ટ્રાઝિટ આવાસ બનાવવામાં આવ્યાં હતા. જ્યારે મોદી સરકારે આઠ વર્ષમાં 1419 આતંકવાદીઓને ઠાર માર્યાં છે અને 520 લોકોને નોકરી આપી છે એટલું જ નહીં એક હજાર ટ્રાઝિટ આવાસ બનાવાયા છે.