Site icon Revoi.in

ડાબેરીઓનો છેલ્લો ગઢ ધરાશાયી: દક્ષિણ ભારતમાં કોંગ્રેસની પકડ વધુ મજબુત બની

Social Share

થિરૂવનંતપુરમ, 4 મે 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણોમાં સત્તાધારી ડાબેરી ગઠબંધન (એલડીએફ) ના સૂપડા સાફ થઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) એ સ્પષ્ટ બહુમતી તરફ ડગ માંડ્યા છે. કર્ણાટક અને તેલંગાણા બાદ હવે કેરળમાં પણ જીત મેળવીને કોંગ્રેસે દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું છે.

રાજકીય વિશ્લેષકોના મતે, કોંગ્રેસની ઉમેદવારોની પસંદગીમાં કરવામાં આવેલો મોટો ફેરફાર આ જીતનું મુખ્ય કારણ છે. યુડીએફ એ એન્ટિ-ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ને ખાળવા માટે 99 બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. ગઠબંધને માત્ર 27 વર્તમાન ધારાસભ્યોને જ ટિકિટ આપી હતી, જ્યારે 14 ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. આ વ્યૂહાત્મક ફેરફારને કારણે મતદારોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ એ 129 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને ધાર્યા મુજબ સફળતા મળતી દેખાતી નથી.

કેરળની અંદાજે 40 બેઠકો દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી છે, જ્યાં 10 લાખથી વધુ માછીમારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, દરિયાઈ ધોવાણ, આજીવિકાનું સંકટ અને પુનઃસ્થાપન યોજનાઓને લઈને માછીમાર સમુદાયમાં રાજ્ય સરકાર સામે ભારે રોષ હતો. પર્યાવરણીય મુદ્દાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સને કારણે માછીમારોના મતોમાં થયેલું 5-10% નું પરિવર્તન ડાબેરીઓના પતનનું મોટું કારણ બન્યું છે.

ખાડી દેશોમાં કામ કરતા કેરળના લાખો લોકો સામાન્ય રીતે ચૂંટણીમાં મત આપવા આવતા હોય છે. પરંતુ પશ્ચિમ એશિયામાં તણાવ અને હવાઈ ભાડામાં થયેલા અસહ્ય વધારાને કારણે અંદાજે 2.42 લાખ નોંધાયેલા પ્રવાસી મતદારોમાંથી મોટાભાગના આવી શક્યા નહોતા. ખાસ કરીને ઉત્તર અને મધ્ય કેરળની બેઠકો પર આની સીધી અસર જોવા મળી છે. પશ્ચિમ એશિયામાં અશાંતિને કારણે કેરળમાં એલપીજી ગેસની ભારે અછત સર્જાઈ હતી. હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રવાસન ઉદ્યોગને આનાથી મોટો ફટકો પડ્યો હતો. વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરની અછતને કારણે સામાન્ય જનતામાં ફેલાયેલો અસંતોષ ઈવીએમમાં સરકાર વિરુદ્ધના આક્રોશ તરીકે બહાર આવ્યો છે. આ જીત સાથે જ કોંગ્રેસ હવે દક્ષિણ ભારતમાં મજબૂત પકડ ધરાવતી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે ડાબેરીઓએ તેમનો છેલ્લો કિલ્લો પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

Exit mobile version