Site icon Revoi.in

કોરોના જેવા કાળમાં મીડિયાનો રોલ પણ મહત્વનો, સકારાત્મક વલણ દાખવવુ અત્યંત જરૂરી

Social Share

અમદાવાદ: ભારત દેશ જ્યારે કોરોના જેવી મહામારીથી પરેશાન છે ત્યારે આ દેશવ્યાપી બીમારીના સમય દરમિયાન મીડિયાનું કામ શું છે, કેવી રીતે કામ કરવું જોઈએ,  શું ધ્યાન રાખવું, કેવા પ્રકારના સમાચાર આપવા, વગેરે બાબતો પર એક વેબચર્ચાનું NIMCJ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને પત્રકારોને નિષ્ણાતો સાથે સાંકળીને  વર્તમાન પરિસ્થિતિમાં માધ્યમોની ભૂમિકા શું હોઈ શકે તેની ચર્ચા કરવાનો હતો.

પેનલ ચર્ચાનું આયોજન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકરની સાથે જાણીતી મીડિયાના ગ્રૂપ કૉંસલટિંગ એડિટેર ડૉ. બ્રિજેશ કુમાર સિંહ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ અને મીડિયા ડિરેકટર ઉમેશ ઉપાધ્યાય જોડાયા હતા.

ઉમેશ ઉપાધ્યાયે આ ચર્ચામાં જણાવ્યું કે મીડિયાનું કામ સમાજનો વિકાસ કરવો,  મૂલ્યોની રક્ષા કરવી, મુળભુત અધિકારોની રક્ષા કરવી વગેરે છે. મીડિયાએ સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. અત્યારની પરિસ્થિતિમાં કેટલા લોકો સાજા થયા, કેવી રીતે એક બીજાની મદદ લોકો કરી રહ્યા છે, જેવી સકારાત્મક ઘટનાઓ પણ લોકો સુધી પહોંચે અને એ પહોંચાડવાનું કામ મીડિયાનું છે. મીડિયાને હંમેશા મીડિયા એથિક્સના અંદર રહીને માહિતી પ્રસ્તુત કરવી પડે છે.

મીડિયા પોતાના મંતવ્ય સમાચાર સ્વરૂપે ના બતાવી શકે. સાચી ખબર બતાવવી,  ફેક્ટસ બતાવવા એ સકારાત્મક અસર કરે કે નકારાત્મક પણ સમાચાર બતાવવા જરૂરી છે! સત્ય છુપાતું નથી અને સત્ય પ્રસ્તુત કરવું મીડિયાનું કામ છે.

આ મહામારી છે, એ બતાવવું તથા કેમ સરકાર  પૂરતી સહાય કરી નથી રહી, સરકાર તરફથી શું કામ કરવામાં આવી રહ્યાં છે, વગેરે વિશે બતાવવું વધારે જરૂરી છે. સરકારની પણ એક મર્યાદા હોય છે. માત્ર નકારાત્મકતા પર ધ્યાન આપવું અને તેના જ સમાચાર ચલાવવાથી લોકોમાં ડર વ્યાપે છે અને તેમનાં પર માનસિક રીતે ખરાબ અસર કરી શકે છે. હાલની પરિસ્થિતિમાં મીડિયાએ માત્ર સનસનાટી ફેલાવતા અને નકારાત્મક પરિસ્થિતિ બતાવતા સમાચારો કરતા લોકોમાં જાગૃતી આવે અને એક સકારાત્મક વાતાવરણ બને એવા સમાચારો પર થોડું વધારે કેન્દ્રિત કરવું જોઈએ. કોરોના જેવી મહામારી, આ શસ્ત્ર વિનાના યુદ્ધમાં લોકો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું એ જાણવું અને સમજવું જરૂરી છે.

ડૉ. બ્રિજેશ કુમાર સિંહે જણાવ્યું કે અધૂરી માહિતી લોકો સુધી ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. માહિતીને ચકાસો, તથ્યો તપાસીને માહિતી સાચી છે, ખોટી છે જાણીને લોકો સુધી પહોંચાડવી એ એક માધ્યમની જવાબદારી છે. આ સમયે મીડિયા સાચા આંકડા નથી બતાવી શકતું, કેમ કે મીડિયાની પણ પોતાની મર્યાદા છે. અને આંકડાઓમાં દસ ગણો ફરક હોવો એ એક અફવા છે તથ્ય નથી. મીડિયાએ અફવા કરતા તથ્ય પર ધ્યાન આપવું જોઈએ, મીડિયા જે ખબર બતાવે એમાં પારદર્શકતા હોવી બહુ જરૂરી છે. નકારાત્મક કરતા સકારાત્મક બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ જેથી લોકો વચ્ચે સંતુલન જળવાઈ રહે.

આ કાર્યક્રમ નું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું.પેનલ ચર્ચા દરમિયાન વિષયને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યાં જેના ઉત્તર ડૉ. બ્રિજેશ કુમાર તથા ઉમેશ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન, સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ગુજરાતની અન્ય મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પત્રકારો આ વેબસંવાદમાં જોડાયા હતા.