Site icon Revoi.in

અન્નદાતા બન્યા જીવનદાતાઃ ખેડૂતે પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા નાણા કોરોના પીડિતોની સારવાર માટે કર્યા દાન

Social Share

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પ્રયાસો કરી રહી છે. તેમજ કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતનો તંત્ર સામનો કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોનાની પીડિતોની તન-મન અને ધનથી સેવા કરી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક ખેડૂતે પુત્રના ધામધૂમથી લગ્ન કરવા માટે એકત્ર કરેલા નાણા કોરોના પીડિત દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે દાન કર્યાં છે. પિતાના આ નિર્ણયથી દીકરી અને પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ લોકોને કોરોના પીડિતોની મદદ કરવા માટે આગળ આવવા માટે અપીલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના ખેડૂત ચંપાલાલ ગુર્જરએ તેમની પુત્રીના લગ્ન માટે બે લાખ રૂપિયાબચાવ્યા હતા જે તેમણે જિલ્લા પ્રશાસનને બે ઓક્સિજન કન્સેન્ટરેટર મશીનો ખરીદવા માટે દાનમાં આપ્યા હતા. ગુર્જરે જિલ્લાના ડીએમ મયંક અગ્રવાલને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. જેથી 2 ઓક્સિજન કોન્સેન્ટર્સ મેળવી શકાય, એક જિલ્લા હોસ્પિટલ નીમચને અને એક જીરન સરકારી દવાખાને આપવામાં આવશે.

ચંપાલાલ ગુર્જરે જણાવ્યું હતું કે, ‘દરેક પિતાની જેમ મારે પણ મારી પુત્રી અનિતાના લગ્ન ધામધૂમથી કરવાનું સ્વપ્ન હતું. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તે શક્ય ન થઇ શક્યું. ખેડૂતની દીકરી અનિતાએ જણાવ્યું હતું કે, “મારા પિતાએ લીધેલા નિર્ણયથી હું ખુશ છું.” મારા લગ્ન ખર્ચના પૈસાથી દર્દીઓના જીવન બચાવી શકાશે. કલેકટર મયંક અગ્રવાલે ચંપાલાલના આ કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે,” જો દરેક વ્યક્તિ આ વિચારે છે, તો તે ખરેખર મોટી મદદ થઈ શકે છે. ચંપાલાલે આપેલા પૈસાથી ઓક્સિજન કોન્સેન્ટર્સ માંગવામાં આવી રહ્યા છે.