ગાંધીનગરઃ રાજ્યની નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની દેશમાં જ નહીં પણ હવે વિદેશમાં પણ પ્રસંશા થવા લાગી છે. એશિયાની નંબર વન ગણાતી નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી હવે વિશ્વના અલગ-અલગ દેશોમાં ખ્યાતનામ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સમાન આ યુનિવર્સિટીની શાખાઓ હવે વિદેશમાં પણ શરૂ કરવામાં આવશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદેશથી અનેક લોકો ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન મેળવવા માટે ગાંધીનગર આવતા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અપરાધિક કિસ્સાઓની તપાસમાં ફોરેન્સિક તપાસને મહત્વ આપવા પર ભાર મુક્યો હતો. બીજી તરફ યુનિવર્સિટીને વિશેષ દરજજો મળતા ભારતમાં ત્રિપુરા, મણિપુર, લદાખમાં પણ નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની શાખા શરૂ થશે. આ યુનિવર્સિટીમાં વર્ષ 2019-20માં જ 29 જેટલા દેશમાંથી 815 લોકો અભ્યાસ કરી ચૂક્યા છે. યુનિવર્સિટીમાં વિશ્વમાં સૌથી બેસ્ટ બેલેસ્ટિક અને બુલેટપ્રુફ વ્હીકલ ટેસ્ટ, બેલેસ્ટિક ટેસ્ટિંગ લેબ છે. જેમાં ભારતની ટોચની કંપનીઓ પોતાની બુલેટપ્રૂફ કારનું ટેસ્ટિંગ કરાવે છે. માત્ર એટલું જ નહીં વિદેશી કંપનીઓ પણ પોતાના વાહનના બુલેટપ્રૂફ ટેસ્ટિંગ કરાવવા આવે છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીમાં વિશ્વ કક્ષાની સાયબર સિસ્ટમ જે કોઈ પણ ખૂણેથી થતો સાયબર એટેક શોધી શકે છે. આ યુનિવર્સિટીમાં ખાસ સાયબર વોલ બનાવવામાં આવી છે જે વિશ્વમાં કોઈ પણ ખૂણે કઈ સિસ્ટમમાં સાયબર એટેક થઈ રહ્યા છે તે જાણી શકે છે. તેમજ તેની આખી ટીમ તમામ એટેકનું એનાલિસિસ કરે છે. વિશ્વભરમાંથી પોલીસ ઓફિસર ફોરેન્સિક સાયન્સનું નોલેજ મેળવવા માટે ગાંધીનગર આવે છે. ગાંધીનગર એફએસએલમાં અત્યારમાં સુધીમાં એશિયા, આફ્રિકા અને યુરોપિયન દેશોના 180 પોલીસ ઓફિસર અભ્યાસ કરવા માટે આવી ચૂક્યા છે. માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય વડાપ્રધાને આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.