Site icon Revoi.in

ગુજરાતમાં બિન અનામત આયોગે વિદેશ અભ્યાસ માટે 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની લોન આપી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલનને લીધે રાજ્ય સરકારે સવર્ણ સમાજના બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય સહિતના જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બિન આર્થિક અનામત આયોગની રચના કરી હતી. આ આયોગ દ્વારા આર્થિકરીતે નબળા વર્ગના લોકોના બાળકોને અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે. પોણા બે વર્ષમાં 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની વિદેશમાં ભણવા જવા માટેની લોન આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જેવા કે બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેની લોન આપવા માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરી છે. આ નિગમે 19 જુલાઇ, 2021થી 11 એપ્રિલ, 2023 સુધીમાં 9226 વિદ્યાર્થીઓને રૂ. 1384 કરોડની વિદેશ જવાની લોન આપી હતી. આ પહેલા નિગમને 13,306 વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટેની લોન લેવા આયોગમાં અરજી કરી હતી. જે પૈકી 9226 વિદ્યાર્થીઓની અરજી મંજૂર થતા તેમને વિદેશ લોન આપવામાં આવી હતી.

બીન આર્થિક અનામત આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ અરજીઓમાં આવકનું પ્રમાણપત્ર યોગ્ય ન હોય તેવી જ 1323 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. કેટલાક કિસ્સામાં બીજા પ્રમાણપત્રો અપૂરતા હોય તો તેમને પરત મોકલવામાં આવે છે અને આવી અરજીઓની સંખ્યા 792 છે. આ ઉપરાંત 1965 અરજીઓ પેન્ડિંગ છે. મોડી આવી હોય અથવા તાજેતરમાં આવી હોય તેવી અરજીઓ પેન્ડિંગ હોય છે,  જે અરજીઓ પેન્ડિંગ છે તે પૈકી 272 અરજીઓ જિલ્લા અધિકારીઓ પાસે, 281 સમાજ કલ્યાણ અધિકારી પાસે, 506 નિગમની ઓફિસમાં વિવિધ તબક્કે પેન્ડિંગ છે. જ્યારે 307 અરજી આસિસ્ટન્ટ સમાજ કલ્યાણ અધિકારી પાસે પેન્ડિંગ છે. આમ, વિવિધ તબક્કે 1965 અરજી પેન્ડીંગ છે, જેનો નિર્ણય ટૂંકસમયમાં આવી જશે તેવી ખાતરી નિગમે આપી હતી.